જામનગરની રંગમતી નદીમાં ખુલ્લેઆમ કેમિકલયુકત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. નદી પ્રદૂષિત કરનારા શખ્સો સામે કોઇ કાર્યવાહી ન કરાતા અનેક સવાલ ઉઠ્યા છે.
મહાનગરપાલિકા કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહી હોય પારવાર દુર્ગંધથી આવાગમન કરવામાં ભારે હાલાકી પડી રહી છે. જામનગરમાં રંગમતી અને નાગમતી નદીના વહેણમાં વ્હોરના હજીરા પાસે છાશવારે કેમિકલયુકત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
શનિવારે પણ આ સિલસિલો યથાવત રહ્યો હતો. નદીના વ્હેણમાં કેમિકલયુક્ત પાણી છોડાતા નદીમાં સફેદ ફીણ જોવા મળ્યા હતાં. છાશવારે અમુક શખ્સો દ્રારા નદીના વ્હેણમાં કેમિકલયુકત પાણી છોડવામાં આવી રહ્યું હોવા છતાં મહાનગરપાલિકા દ્રારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આથી શહેરના વ્હોરાના હજીરા પાસે નાગમતી, રંગમતી નદીના વહેણને પ્રદૂષિત કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

