Gujarat

રાજકોટ ખાતેના ‘ગાંધી શિલ્પ બજાર’ હસ્તકલા પ્રદર્શનને ખુલ્લું મુકતા મેયરશ્રી

૨૬ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી વિવિધ હસ્તકલાની વસ્તુઓના

૫૦ સ્ટોલ અન્વયે અનેક બહેનોને રોજગારી મળશે

“વિસરાતી કલાઓ આવનારી પેઢી જાણી શકે તેવા

હરહંમેશ સરકારના પ્રયત્નો રહે છે.” – મેયરશ્રી નયનાબેન પેઢડીયા

રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢડીયાના હસ્તે અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે આયોજીત ‘ગાંધી શિલ્પ બજાર’નું ઉદઘાટન કરાયું હતું. રાષ્ટ્રના શ્રેષ્ઠ કારીગરો દ્વારા બનાવેલ હસ્તશિલ્પની તથા હસ્તકલાની ઉત્કૃષ્ટ વસ્તુઓના ૫૦ સ્ટોલનું એક્ઝિબિશન તા.૨૬ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર યોજાઈ રહ્યું છે.

હાલના સમયમાં ઘેર બેઠાં હસ્ત શિલ્પીઓ અને કારીગરોએ કરેલાં ઉત્પાદનને ગ્રાહક સાથે સીધું બજાર આપવા તેમજ કલાને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોરૂપે કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલય દિલ્હી ઓફિસ ઓફ ધી ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટ અને હસ્તકલા ઔદ્યોગિક સહકારી મંડળ દ્વારા રાજકોટમાં ‘ગાંધી શિલ્પ બજાર’ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી આવેલા હસ્તકલાના કારીગરો દ્વારા બનાવાયેલી ઉત્કૃષ્ટ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, પુડુચેરી, રાજસ્થાન, આસામ, ઉત્તર પ્રદેશ સહિતના રાજયોમાંથી અહીં આવેલા કારીગરોએ હેન્ડલૂમ કપડા, ચપ્પલ,  બેન્ગલ્સ, ઘરેણા, બનારસી સાડીઓનું સુંદર કલેકશન, ડ્રેસ મટીરીયલ, જેન્ટસ કુર્તા, બેડશીટ, મોજડી, કચ્છ વર્ક, બાંધણી, મધુબની પેઇન્ટિંગ, વાંસમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ, લેધર વર્ક, ગૃહ સુશોભનની વસ્તુઓ અને માટીના વાસણો જેવી વિવિધ હાથ બનાવટ અને કલાકારીગરીની ચીજવસ્તુઓ લોકોનું ધ્યાન આકર્ષે તેવી છે.

મેયરશ્રી નયનાબેન પેઢડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે, આજે ગાંધી શિલ્પ બજાર દ્વારા સુંદર કાર્યક્ર્મ થયો છે. જેમાં ટ્રેનીંગ પામેલા કારીગરો પોતાના દ્વારા બનાવેલ ચીજ વસ્તુઓ એક જગ્યાએ વેચાણ કરી શકે. આપણી પરંપરાગત વારસાઈ કલા વિસરાય નહી અને આ પરંપરા ચાલુ રહે તે માટે વિવિધ એક્ઝિબિશન કરવામાં આવે છે. આ સાથે હસ્તકલાના કારીગરોની કામગીરીને નજીકથી જાણી અને જોઈ શકીએ છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હસ્તકલાના કારીગરોને આગળ લઈ આવવા માટે તેઓને ટ્રેનીંગ આપવાનું શરુ કર્યું છે. અને કારીગરોએ પોતાની આવડતને ખીલવવા માટેનો એક સારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિસરાતી કલાઓ આવનારી પેઢી જાણી શકે તેવા હર હમેશ સરકારશ્રીના પ્રયત્નો રહે છે.

આ કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોનું સ્વાગત પુષ્યગુચ્છ અને ઉષ્મા વસ્ત્ર ઓઢાડીને કર્યું હતું. સહાયક નિયામકશ્રી, હેંડીક્રાફટએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ એક્ઝિબિશનમાં અગ્રણીશ્રી કિરણબેન માકડિયા, શ્રી એસ. આર. પટેલ, શ્રી અલ્પેશભાઈ લુણાગારીયા, રિજિયોનલ ડિરેક્ટરશ્રી એમ.પ્રભાકરણ,  ફાયર ઓફિસરશ્રી એસ.આર. નડીયાપરા સહીત હસ્તકલાના કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.