Gujarat

શહેરની રિઝ‌ર્વ જમીનોને દબાણ મુક્ત કરવા પાલિકાને ફાળવવા કલેક્ટરને મેયરની રજૂઆત

સૈયદપુરામાં શ્રીજી પંડાલ ઉપર પથ્થર ફેંકાયાના કાવતરાને પગલે સુરત પાલિકા તંત્રએ સુડા તેમજ કલેક્ટર દ્વારા રિઝર્વેશન હેઠળ મુકવામાં આવેલી જમીનો ઉપર કરાયેલા દબાણ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું.

સમગ્ર કાર્યવાહીનો મંગળવારે મેયર દક્ષેશ માવાણીએ ચિતાર મેળવ્યો હતો. તેમણે ખુલ્લી કરાયેલી જમીન પર ફરી દબાણ ન થાય તે માટે કંપાઉન્ડ વોલ બનાવવા સૂચના આપવાની સાથે શહેરભરમાં વિવિધ વિકાસ કામો માટે સંપાદન હેઠળની ખુલ્લી જમીનો ઉપર દબાણ હોય તો તાકીદે દૂર કરવા આદેશ કર્યા હતાં.

આ તબક્કે મેયર માવાણીએ કલેક્ટર તાબાની અને શહેરમાં આવેલી રિઝર્વેશન હેઠળની જમીનો પણ છુટી કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, પાલિકા, કલેક્ટર અને સુડા હસ્તકની રિઝર્વેશન હેઠળની જમીનોની યાદી ટાઉન પ્લાનિંગ વિભાગ પાસેથી માગવામાં આવી છે. જેના આધારે શહેરની તમામ જમીનનો કબજો મેળવી વિકાસ કામો માટે ઉપયોગ કરાશે.

વિવિધ વિસ્તારોમાં નવી પોલીસ ચોકીઓ બનાવવા શહેર પોલીસ દ્વારા જમીન માંગણી કરાઇ છે ત્યારે રિઝર્વેશન હેઠળની અને હાલમાં દબાવી દેવાયેલી જમીનો ઉપયોગી સાબિત થશે. કલેક્ટર તાબાની શહેરની રિઝર્વેશન જમીનો મહાનગરપાલિકાને વિવિધ વિકાસ કામો માટે મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ હતી. તેમણે શહેરમાં આવેલી સરકારી જમીનો પર દબાણ ન થાય અને હયાતી જળવાઇ રહે તે માટે તે જમીનો પાલિકાને 1 રૂપિયા ટોકન ઉપર ફાળવવા પણ માંગ કરી હોવાનું ઉમેર્યું હતું.