Gujarat

શંકરપુરા જતી માઇનોર કેનાલ વર્ષોથી બંધ

ડભોઇ તાલુકાના શંકરપુરા જતી માઇનોર કેનાલ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી હોવાથી તેમાં મોટા ગાબડાં પડી ગયા છે. આ કેનાલ સીમાડામાં છે જે ખોટી જગ્યા છે. તેમાં પાણી આવતું નથી. જો અહીં પાણી છોડાય અને પીવીસીની લાઈનો કરાય તો આ વિસ્તારના ચારસો વીઘા જેટલી ખેતીને પાણી મળી રહે તેમ છે.

નર્મદા નિગમના અધિકારીઓ આ બાબતે ધ્યાન નહીં આપતાં ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ડભોઇ તાલુકાના શંકરપુરા જતી માઇનોર કેનાલ છેલ્લા કેટલાક વર્ષોથી સીમાડાના ભાગે નાખેલી છે. ખોટી જગ્યા ઉપર આ લાઈન કરવામાં આવી છે અને કેનાલમાં પાણી આવતું નથી. ઉપરાંત કેનાલમાં ઠેર ઠેર ભંગાણ થયું હોઇ પીવીસી પાઇપ લાઇન કરવામાં આવે તો ખેડૂતોને પાણી મળતું રહે તેમ છે.

હાલ માત્ર ચોમાસા દરમિયાન વરસાદના પાણી પર ખેડૂતોને નિર્ભર રહી ખેતી કરવી પડે છે. કેનાલનો કોઈ લાભ મળતો નથી. જેથી કરી વહેલી તકે કેનાલમાં રિપેરિંગ થાય અને પાણી છોડવામાં આવે અને ખેતી માટે પાણી પૂરું પડાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

5 વર્ષથી બનેલી કેનાલમાં એક જ મહિનો પાણી આવ્યું હતું છેલ્લા પાંચ વર્ષથી કેનાલ બનેલી છે. એક જ મહિનો પાણી આવ્યા પછી પાણી બંધ થઇ ગયું છે. અત્યારે ગાબડા પડી ગયા છે. જેને લઈને ખેડૂતોને તકલીફ પડી રહી છે. ઉનાળાના પાકમાં કેનાલમાં પાણી છોડાય પણ મોટા ગાબડા પડવાના કારણે અમારા સુધી પાણી પહોંચે નહીં.

જેના કારણે ઉનાળુ અને શિયાળુ પાક અમારાથી લઈ શકાય નહીંત. વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ તેનું રિપેરિંગ કામ કરાવે તો પાંચથી સાત ગામોના લોકોને પાણી મળી રહે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પગલાં લેવાતા નથી. વહેલી તકે રિપેરિંગ થાય ને ખેડૂતોને પાણી મળે તેવી અમારી માગ છે.