ગાંધીનગર શહેરના સરગાસણ ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં ટયુશન ક્લાસીસના ગરબામાં ગયેલી બે સગીરા લાપત્તા થઈ જતા દોડધામ મચી ગઈ છે. જે મામલે હાલ પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો બનાવીને તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે. દીકરીઓને એકલી ગરબામાં મોકલતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે.
નવરાત્રી પર્વ દરમિયાન બેન દીકરીઓ રાત્રે મોડે સુધી કરી શકશે તેવા સરકાર દાવાઓ કરી રહી છે ત્યારે વડોદરામાં સગીરા ઉપર સામૂહિક બળાત્કારની ઘટના બહાર આવી છે અને હજી આ ગુનાના આરોપીઓ પકડાયા નથી ત્યારે ગાંધીનગરમાં પણ ગરબા રમવા માટે ગયેલી બે સગીરા ગુમ થઈ જતા ભારે દોડધામ મચી ગઈ છે.
આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ગામમાં રહેતી સગીરા ધોરણ નવમાં અભ્યાસ કરે છે ત્યારે નવરાત્રી હોવાથી જે ટયુશનમાં અભ્યાસ કરતી હતી તેના સંચાલકો દ્વારા સરગાસણ ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે ગઈકાલે સગીરાના પિતા તેણીને પાર્ટી પ્લોટના દરવાજા સાંજે ૮ વાગે મૂકીને નીકળી ગયા હતા તે વખતે તેણીએ તેના પિતાને કહ્યું હતું કે, તેની અમદાવાદ ખાતે રહેતી ફ્રેન્ડ પણ આવવાની છે અને ગરબા પુરા થાય એટલે ૧૦ વાગે લેવા માટે આવજાે તેમ કહ્યું હતું. જાેકે તેઓ ગરબા પુરા થયા પછી ૧૦ વાગે લેવા માટે પહોંચ્યા ત્યારે તેમની દીકરીને ફોન કર્યો હતો અને તે બંધ આવતો હતો.
આ દરમિયાન દીકરીની ફ્રેન્ડના પિતાને પણ ફોન કરતા તેઓ પણ તેણીને લેવા માટે ગેટ ઉપર ઉભા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ બંને સગીરાના પિતા દ્વારા તેમની શોધખોળ શરૃ કરવામાં આવી હતી પરંતુ આ સગીરાઓનો કોઈ જ પતો લાગ્યો ન હતો. જેના પગલે રાતે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને જેના પગલે પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરીને સગીરાઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આ સગીરાઓની શોધખોળ માટે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને ગરબામાં આવેલા અન્ય વિદ્યાર્થીઓની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

