એક જ દિવસમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકામોનું લોકાર્પણ
ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક જ દિવસમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈને વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું તથા અમદાવાદમાં નમો સ્ટેડિયમમાં ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સુવર્ણ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. પીએમ મોદીએ હાલ વિશ્વની 8મા ક્રમની સૌથી મોટી ડેરી અમૂલને ડેરી ક્ષેત્રની વિશ્વની નંબર વન કંપની બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને અમદાવાદ, મહેસાણા અને સુરતની મુલાકાત લઈને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
સુરત જિલ્લામાં તેમણે કાકરાપાર એટમીક પાવર સ્ટેશન ખાતેના બે નવા હેવી વૉટર રીએક્ટર્સ દેશની સેવામાં સુપરત કર્યા હતા. જ્યારે અમદાવાદમાં જીસીએમએમએફની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ખેડુતો, પશુપાલકો સહિત 1 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે જ્યારે બીજાઓ પાસેથી આશાઓનો અંત આવે છે ત્યાંથી મોદીની ગેરન્ટી શરૂ થાય છે.અમૂલ વિશે કહેતા વડાપ્રધાને કહ્યું હતું કે, અમૂલ સરકાર અને સહકારનું તાલમેળનું ઉત્તમ ઉદાહરણ છે.
આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની,પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે,અમૂલ જેવું કોઇ નહીં. સહકારથી શક્તિ, સહકારથી સન્માન, સહકારથી સમૃદ્ધિના સૂત્રને વર્ષોથી સાર્થક કરતું આવ્યું ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે. આ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, અમૂલનો પાયો સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયન સ્વરૂપે નંખાયો હતો. સમયની સાથે સાથે ડેરી સહકારિતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે ફેલાઇ અને ક્રમશઃ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું નિર્માણ થયું.
વડા પ્રધાને કહ્યું કે, વૈશ્વિક સ્તરે ડેરી ક્ષેત્ર માત્ર 2 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે, જ્યારે ભારતમાં આ વૃદ્ધિ 6 ટકા છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં દૂધ ઉત્પાદનમાં 60%નો વધારો થયો છે જ્યારે માથાદીઠ દૂધની ઉપલબ્ધતામાં 40%નો વધારો થયો છે. વડાપ્રધાને કહ્યું હતું કે,અમે કેબિનટમાં નિર્ણય કર્યો છે કે,નેશનલ લાઇવ સ્ટોક મિશનના દેશી પ્રજાતિને બચાવવા નવા ઉપાયો કરવાનો નિર્ણય કર્યો છે.
મોદીની ‘નવી ગેરંટી’; અમૂલને ડેરી સેક્ટરની સૌથી મોટી કંપની બનાવવામાં આવશે, હાલ વિશ્વની 8મા નંબરની સૌથી મોટી ડેરી, હવે નંબર 1 બનાવવાનો નિર્ધાર
અમદાવાદમાં જીસીએમએમએફના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં 1 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે જ્યારે બીજાઓ પાસેથી આશાઓનો અંત આવે છે ત્યાંથી મોદીની ગેરંટી શરૂ થાય છે. વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
મહેસાણામાં… કોંગ્રેસે રામના અસ્તિત્વ સામે પણ સવાલો ઉઠાવ્યા: વડાપ્રધાન
વડાપ્રધાને મહેસાણાના તરભસ્થિત વાળીનાથ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે 16મીથી ચાલી રહેલા મહોત્સવની ગુરુવારે પૂર્ણાહુતિ પ્રસંગે ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં 600 કિલો વજનના મહાશિવલિંગની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવી હતી. તેમણે કોંગ્રેસને નિશાન બનાવતાં કહ્યું હતું કે આઝાદ ભારતમાં લાંબા સમય સુધી વિકાસ અને વિરાસત વચ્ચે દુશ્મની બનાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસે જ સોમનાથને વિવાદનું કારણ બનાવ્યું, મોઢેરાના સૂર્યમંદિરને વોટબેન્કની રાજનીતિથી જોયું, ભગવાન રામના અસ્તિત્વ સામે પણ સવાલો ઉઠાવ્યા. તેમણે ઉમેર્યું કે ડીસામાં એરફોર્સ સ્ટેશન બનાવવા હું મુખ્યમંત્રી હતો ત્યારે અનેક પ્રયાસો કર્યા હતા. 2004થી 2014 સુધી ફાઇલો દબાવીને કોંગ્રેસ સરકાર બેસી રહી. દોઢ વર્ષ પહેલાં ફાઇલ હાથમાં લીધી આજે ડીસામાં રન-વે તૈયાર થઇ ગયો છે.
નવસારીમાં… કાકરાપાર પરમાણુ મથકના 2 રિએક્ટર, એક્સપ્રેસ વેનું લોકાર્પણ કર્યું
નવસારીના વાંસી-બોરસીમાં નિર્માણ પામનાર પી.એમ. મિત્ર (મેગા ટેક્સટાઇલ પાર્ક)ની કામગીરીનો પ્રારંભ કરાવી વડાપ્રધાને કહ્યું હતું કે ‘ંપીએમ પાર્કથી લોકોને નવી રોજગારી મળશે.. 1141 એકરમાં સાકાર થનાર ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દ.ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારની નવી તકો સર્જશે. તાપી જિલ્લામાં કાકરાપાર અણુમથકમાં 700-700 મેગાવોટના આજે લોકાર્પિત થયેલા બે નવા રિએક્ટર ‘મેડ ઈન ઇન્ડિયા’ની ફળશ્રુતિ છે જે ભારતની આત્મનિર્ભરતા અને સ્વદેશી ટેકનોલોજીની શક્તિ-ક્ષમતા દર્શાવે છે. વડાપ્રધાન ભરૂચના દહેગામથી વાસદ સુધીના એક્સપ્રેસ હાઇવેના ભાગને વર્ચ્યુઅલી ખુલ્લો મુક્યો હતો.