પાટણ ખાતે અખિલ આંજણા ચૌધરી સમાજની સાધારણ સભા મળી હતી. સભાના અધ્યક્ષસ્થાનને મામલે બે જૂથ પડી જતાં હોબાળો થયો હતો અને જૂથ વચ્ચે ઘર્ષણ થતા નાસભાગ મચી ગઇ હતી અને છુટ્ટા હાથની મારામારી તથા પથ્થરમારો થતાં સમાજના ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મામલો ઉગ્ર ના બને તે માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી છે.
પાટણની આદર્શ વિદ્યાલય ખાતે રવિવારે અખિલ આંજણા સમાજની સાધારણ સભા યોજાઇ હતી. આંજણા સમાજની યોજાયેલી આ સભામાં મુખ્ય મુદ્દો સમાજના પ્રમુખ તેમજ હોદ્દેદારોની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ તેમજ હોદ્દેદારોની વરણી કરવાનો હોવાથી સામાજિક બે જૂથ પડી ગયા હતા અને જાેત જાેતામાં બે જૂથો સામસામે આવી ગયા હતા. જેના કારણે સભામાં હોબાળો તેમજ ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણ સર્જાયું હતું.
મામલો વધુ ઉગ્ર બનતા સભામાં એકબીજા ઉપર ધોકાઓ વડે તેમજ છુટા પથ્થરો વડે મારો કરવામાં આવ્યો હતો. જેમાં બંને જૂથના લોકોને નાની મોટી સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ કરાતા પાટણ બી ડીવીઝન પોલીસ અને ૧૦૮ને ટીમ તરંત જ આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલી સભાએ આવી પહોંચી હતી. જાેકે સામાજિક ઝઘડો વધુ ઉગ્રરૂપ ધારણ ના કરે તે માટે મામલને શાંત પાડવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો.
સભામાં સામસામે થયેલા ઝઘડામાં ૧૦ થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જે ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણ સિવિલ અને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સામાજિક ઝઘડામાં કેમ મામલો ઉગ્ર બન્યો અને કોના કોના દ્વારા એકબીજા ઉપર પ્રહાર કરવામાં આવ્યા તે બાબતને લઈને પાટણ પોલીસ દ્વારા ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે તેવી વિગત પાટણ બી ડીવીજન પોલીસ સ્ટેશનમા સૂત્રોએ જણાવ્યું હતું.