જામનગર સતવારા સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભનુભાઈ ચૌહાણ અને તાલુકા પૂર્વ મહામંત્રી નેતા સહિત 150થી વધુ અગ્રણીઓ ભાજપામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ લોકોએ 2022ની વિધાનસભાની ચૂંટણીણાં પક્ષની નારાજ થઇ રાજીનામુ આપ્યું હતું.

રવિવારે સાંજે જિલ્લા ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા તેમજ હોદેદારો, સંસંદની ચુંટણીના ઉમેદવાર એવા સાંસદ પુનમબેન માડમ તેમજ પાર્ટીના નેતાઓની ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સતવારા સમાજના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ ભાનુભાઈ માધુભાઈ ચૌહાણ તેમજ સતવારા સમાજના ઉપપ્રમુખ અને ભાજપાના પૂર્વ તાલુકા મહામંત્રી પ્રવીણભાઈ કટેશીયા તેમજ મોરકંડા, ખીમલીયા ચેલા, ખીમરાણા, નવા અને જૂના નાગના, ધુવાવ, ઢીંચડા તથા શેખપાટ ગામના સતવારા સમાજના અગ્રણીઓ તેમજ 150થી વધુ સતવારા સમાજના આગેવાનો કાર્યકરો પણ ભાજપામાં જોડાયા છે.

સતવારા સમાજના જામનગર જિલ્લાના બે બાહુબલી અગ્રણીઓની પક્ષમાં ઘર વાપસીને કારણે 12- જામનગર લોકસભા બેઠક ઉપર ભાજપાની સ્થિતિ વધુ મજબૂત બની હોવાનું કહી શકાય. કારણ કે, જામનગર-દ્વારકા જિલ્લામાં સથવારા સમાજના હાલારના અને બંન્ને જિલ્લામાં મળીને 1,21,000 લાખ જેટલા મતદારો છે. જે ખંભાળિયા, જામનગર ગ્રામ્ય, દ્વારકા વિધાનસભા બેઠક ઉપર નિર્ણાયક અને ગેમચેન્જર પરિબળ ગણાય છે.

