Gujarat

250થી વધુ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની સેન્સ લેવાઈ, આહિર, પટેલ અને રાજપૂત સમાજમાંથી ત્રણ-ત્રણ નામ પર ચર્ચા

લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકોને જામનગર મોકલવામાં આવ્યાં હતા અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 250થી વધુ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની સેન્સ લેવાઈ હતી. આહિર, પટેલ અને રાજપૂત સમાજમાંથી ત્રણ-ત્રણના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ નજીકના સમયમાં યોજાનાર છે. આથી રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભાજપ દ્વારા ગઈકાલે જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવનમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્રણ નિરીક્ષકો રણછોડભાઈ દેસાઈ, હરિભાઈ પટેલ અને રીટાબેન પટેલ જામનગર આવ્યાં પછી ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા શહેર- જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે નિરીક્ષકો દ્વારા પોતાને મળેલી પ્રતિક્રિયાના અહેવાલ પ્રદેશ આગેવાનોને સુપરત કરશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકાની લોકસભાની ચૂંટણી માટેની ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈપણ ઉમેદવારે દાવેદારી કરી ન હતી બીજી તરફ શહેર અને જિલ્લામાંથી કુલ 250થી વધુ અપેક્ષિત કાર્યકરો હોદ્દેદારોની સેન્સ લેવામાં આવી હતી.

જામનગર શહેરમાં 121 જેટલા અપેક્ષિત સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેવી જ રીતે જિલ્લામાં પણ 179 થી વધુ અલગ અલગ સંગઠનમાં હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તમામ લોકોએ નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી હતી. પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા તમામ લોકોની સેન્સ લેવામાં આવી હતી.

ચોક્કસ માહિતી મુજબ નિરીક્ષકો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, વોટ બેન્ક આધારિત મુખ્ય ત્રણ સમાજો છે તેમાંથી ત્રણ-ત્રણ નામો માગ્યા હતા. જામનગર અને દેવભૂમિ દ્વારકાની લોકસભા બેઠક પર સૌથી વધુ પાટીદારો મત હોવાથી પાટીદારમાંથી ત્રણ નામો માગ્યા હતા, ત્યારબાદ આહીર સમાજમાંથી પણ ત્રણ નામો આપ્યા હતા અને રાજપૂત સમાજમાંથી પણ ત્રણ નામો આપ્યા હતા એમ મળીને કુલ નવ લોકોના નામો નિરીક્ષકો દ્વારા માંગવામાં આવ્યાં હતા. ભાજપના અલગ અલગ હોદ્દેદારો પાસે નામો માંગ્યા હતા અને સેન્સ પ્રક્રિયા કરી હતી.

મળતી માહિતી મુજબ જ્ઞાતિ સમીકરણ મુજબ એક એક નામની ચર્ચા કરીએ તો પાટીદાર સમાજમાંથી આર.સી.ફળદુ સહિત અન્ય બે ના નામ આપવામાં આવ્યા હતા. આહિર સમાજમાંથી સાંસદ પૂનમ માડમ સહિત અન્ય બે લોકોના નામ આપ્યા હતા. તેમજ રાજપૂત સમાજમાંથી રિવાબા જાડેજા સહિત અન્ય બે નામ આપવામાં આવ્યા હતા.