Gujarat

ધુળેટીના તહેવારની ઉજવણી સાથે “મતદાન જાગૃતિ” અભિયાન, ધોરાજીમાં આચરસંહિતાને લઈ 680થી વધુ જાહેરાતો દૂર કરાઈ

રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધુળેટીના તહેવારની ઉજવણી સાથે “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જિલ્લાના નાગરિકોને ધુળેટીના તહેવારની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, રંગીલા રાજકોટવાસીઓ જેમ દરેક તહેવાર ઉત્સાહભેર ઉજવે છે તેમ લોકશાહીનું પર્વ આગામી તારીખ 7 મે 2024ના રોજ યોજાનારા મતદાનના તહેવારમાં જિલ્લાના તમામ મતદારો ઉત્સાહભેર ભાગ લે, તેવી મારી અપિલ છે.

આ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરેક મત મહત્વનો છે તેમજ સૌની ભાગીદારી લોકશાહીનો પાયો છે તેવા સ્લોગન સાથે બેનરો દર્શાવી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

હથિયારધારકો પાસેથી હથિયાર જમા

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા પરવાનાવાળા હથિયારધારકો પાસેથી હથિયાર જમા લેવામાં આવે છે.

જે અન્વયે તારીખ 25મી માર્ચ 2024 સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા 3008 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 2116 હથિયારો જમા લેવામાં આવ્યા હતા અને 4 હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1212 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 1090 હથિયારો જમા લેવામાં આવ્યા હતા અને 2 હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.

આચરસંહિતાને લઈ 680થી વધુ જાહેરાતો દૂર કરાઈ

લોકસભા ચૂંટણી 2024 અન્વયે રાજકોટ જિલ્લા સહિત સમગ્ર દેશભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાંથી તારીખ 24 માર્ચ સુધીમાં કુલ 680થી વધુ અનધિકૃત રાજકીય જાહેરાતો દૂર કરવામાં આવી છે, જેમાં જાહેર કે સરકારી મિલકતો પરથી 260 તેમજ ખાનગી મિલકતો પરથી 428 કેસ અંતર્ગત અનધિકૃત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે અને હાલના તબક્કે કોઈ જાહેરાતો દુર કરવાની બાકી નથી તેમ ધોરાજીના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે કોઈ અનધિકૃત પ્રચાર જાહેરાત કે આચારસંહિતા ભંગ અન્વયે નાગરીકો સિટીઝન વીજીલન્સ ટોલ ફ્રી નંબર 18002330322 નો સંપર્ક કે સી વિજીલ મોબાઈલ એપ પર ફરિયાદ કરી શકે છે.