ખંભાળિયા પંથકમાં દારૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તથા સ્ટાફ દ્વારા કડક કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ગઈકાલે સોમવારે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. વી.બી. પીઠીયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
જે અંતર્ગત સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, યોગરાજસિંહ ઝાલા તેમજ સુરજભાઈ ભાંગરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઈન્ચાર્જ પી.આઈ. પીઠીયા તેમજ ટીમ દ્વારા ખંભાળિયા નજીક આવેલા ભાડથર ગામની ખરાડીયા વાડી સીમમાં રહેતા માલદે રણમલ ભાન નામના શખ્સ દ્વારા તેના કબજા ભોગવટાની વાડીએ રહેલા રહેણાંક મકાનમાં જુગારીઓ માટે જરૂરી સુખ-સુવિધાઓ પૂરી પાડી, નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં પોલીસે માલદે રણમલ ભાન સાથે અરશી સામત નંદાણીયા, નથુ નારણ કાંબરીયા, વજશી લાખા નંદાણીયા, મેરામણ કારા આંબલીયા, ખીમા દેરાજ રૂડાચ, જયેશ ભાયા બેલા, વિક્રમ રામ ડાંગર અને અમરશી થોભણ વાસજાળીયા નામના નવ શખ્સોને દબોચી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 2,14,000 રોકડા, રૂપિયા 31,500 ની કિંમતના નવ નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 8.10 લાખની કિંમતના બે મોટરકાર અને એક મોટરસાયકલ સહિત કુલ ત્રણ વાહનો મળી, કુલ રૂપિયા 10,55,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

