Gujarat

ખંભાળિયામાં જર્જરીત ઈમારતો દૂર કરવા નોટિસ, ભાણવડમાં ખખડધજ રસ્તાના મુદ્દે AAPનું આવેદન, જિલ્લામાં નુકશાનનો સર્વે કરવા કોંગ્રેસની માંગ

ખંભાળિયા શહેરમાં મંગળવારે સાંજે એક આસામીનું આશરે એક સદીથી વધુ સમય જૂનું અને જર્જરીત મકાન જમીન દોસ્ત થઈ જતા આ મકાનમાં રહેતા એક પરિવારના દાદી તેમજ તેમની બે પૌત્રીઓના અકાળે મૃત્યુ નિપજયાના ચકચારી અને કરુણ બનાવ વચ્ચે નગરપાલિકા તંત્ર દ્વારા આજરોજ જુદા જુદા વિસ્તારોમાં આવા જૂના બાંધકામ ધરાવતા આસામીઓને કડક અલ્ટીમેટમ પાઠવીને સમય મર્યાદામાં પોતાનું મકાન તોડી પાડવા અંગેની નોટિસો આપવામાં આવી હતી.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા જૂના અને જોખમી એવા આશરે નવ જેટલા નાના-મોટા મકાનના માલિકોને નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ દ્વારા લેખિત નોટિસ ઇસ્યુ કરી અને સમય મર્યાદામાં આવા બાંધકામ સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવે તેવો હુકમ કરવામાં આવતા અહીંના ગગવાણી ફળી સહિતના વિસ્તારમાં જે-તે આસામીઓએ પોતાના મકાનના જર્જરીત ભાગોને સ્વૈચ્છિક રીતે હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નગરપાલિકા દ્વારા આ પ્રકારની નોટિસો ફટકારાયા છતાં પણ અનેક આસામીઓએ તેઓના જોખમી બાંધકામ હટાવ્યા નથી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ નગરપાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં આવા જોખમી બાંધકામ સંદર્ભે કડક પગલાં હાથ ધરવામાં આવશે. જેમાં પાલિકા દ્વારા જે-તે આસામીઓના ખર્ચે તેઓના આવા બાંધકામો તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે.