Gujarat

જામનગર જિલ્લાના 11 ટાપુ પર પ્રવેશ સંબંધિત જાહેરનામું બહાર પડાયું, રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને લઈ આદેશ

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જયારે અન્ય ટાપુઓ માનવરહિત છે.

આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે.જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે નાગરિકો અવર- જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા તેનો ઉપયોગ કરે તેવી પુરી સંભાવના રહેલી છે.

જેથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા સમગ્ર જામનગર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે.

તેથી, પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા- આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતા- 1860 ના 45 માં અધિનિયમની કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉક્ત જાહેરનામું આગામી તારીખ 12/07/2024 સુધી અમલમાં રહેશે.

જામનગર જિલ્લામાં પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલા ટાપુઓની વિગત

ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ,કોદારા ટાપુ, જુના બેલા ટાપુ, અનનોન- એ ટાપુ અને અનનોન- બી ટાપુ- આ તમામ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.