મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
બુધવારે સવારથીજ મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મુંબઈમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. ગુરુ તેઘ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
જેને લઈ મુસાફરોને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સાથે જ દાદર અને માટુંગાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો આ તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૦ જૂન સુધીમાં મુબંઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી શકે છે. જેને લઈ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે.
હવે, મહારાષ્ટ્રના લોકોને ટૂંક સમયમાં આકરી ગરમી અને તડકાથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગોવામાં ચોમાસું આવી ગયું છે અને આગામી ૪ થી ૫ દિવસમાં મુંબઈમાં પણ ચોમાસું બેસી જવાની શક્યતા છે. નવી મુંબઈમાં છેલ્લા બે દિવસથી પ્રિ-મોન્સુન વરસાદ પડી રહ્યો છે પરંતુ મુંબઈગરાઓને હજુ પણ કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મુંબઈનું મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને રાત્રે ૬૮ ટકા નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે, પરંતુ હવે ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે.
હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ગોવામાં ચોમાસું બેસી ગયું છે.
જો સ્થિતિ અનુકુળ રહેશે તો આગામી ૪ થી ૫ દિવસમાં ચોમાસું મુંબઈમાં આવી જશે. રાજ્યના અનેક ભાગોમાં પ્રિ મોન્સુન વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા પહોંચ્યું છે. જ્યાંથી હવે ૧૦ જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચશે. જે બાદ ગુજરાતમાં ૧૪ જૂન સુધીમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.