આયુષ્માન કાર્ડ હેઠળ ની-રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી હવે સરકારી હોસ્પિટલોમાં જ કરાવી શકાશે. ખાનગી હોસ્પિટલોમાં આડેધડ થતી સર્જરીઓ પર લગામ કસવા આ કવાયત શરૂ કરાઈ છે.
હાલના સમયમાં સાંધાની વિવિધ સર્જરીના પ્રમાણમાં વધારો થયો છે. નાની ઉંમરના લોકોમાં જરૂર ન હોય તો પણ ની રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી થતી હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું હતું, જેથી આયુષ્માન કાર્ડ હેઠળ 55 વર્ષથી નાની વયના લોકો માટે આ ત્રણ સર્જરી માત્ર સરકારી હોસ્પિટલમાં જ કરાવી શકાય તેવો નિયમ લાવવાની ફરજ પડી છે.
આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે આયુષ્માન કાર્ડ હેઠળ અગાઉ કોઈ પણ ઉંમરની વ્યક્તિની ની રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટની રિવિઝન સર્જરી તેમ જ ગર્ભાશયની કોથળી (હિસ્ટ્રેક્ટોમી) સર્જરી રિઝર્વ રાખવામાં આવી છે. એટલે કે પહેલાં આ ત્રણેય સર્જરી ખાનગી હોસ્પિટલમાં થઈ શકતી હતી, પરંતુ નાની ઉંમરના લોકોમાં ની રિપ્લેસમેન્ટની સર્જરીઓનું અચાનક પ્રમાણ વધી ગયું હતું, જેના પર લગામ ખેંચવા માટે છ મહિના પહેલાં સરકારે એક પરિપત્ર બહાર પાડી 55 વર્ષથી નાની વયના લોકોએ આ ત્રણેય સર્જરી કરાવી હોય તો સરકારી હોસ્પિટલમાં જ કરાવી શકે તેવો નિયમ કર્યો છે.
સિનિયર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. એચ. પી. ભાલોડિયાના જણાવ્યાનુસાર, છેલ્લાં પાંચ વર્ષમાં ની-રિપ્લેસમેન્ટના કુલ દર્દીમાં 15થી 20 ટકા દર્દી 55 વર્ષથી નીચેના હોય છે, જેમાં ઉંમર ઉપરાંત રુમેટોઇડ આર્થરાઇટિસના કેસમાં 15થી 20 ટકા યુવાનો અને 45થી 60 વર્ષની વયના ની-રિપ્લેસમેન્ટના કુલ દર્દીમાંથી 60 ટકા મહિલા હોય છે. પહેલાં ની-રિપ્લેસમેન્ટ અને રિવિઝન સર્જરી ખાનગી હોસ્પિટલોમાં પણ થતી હતી, પણ હવે સરકારી હોસ્પિટલમાં જ થઈ શકે છે.
નાની ઉંમરે સાંધાના દુખાવાથી પીડાતા લોકો માટે મુશ્કેલી
55 વર્ષથી નાની વયના દર્દીઓની ની રિપ્લેસમેન્ટ સર્જરી માત્ર રાજ્યની સરકારી હોસ્પિટલમાં જ થઈ શકે તેવો નિર્ણય કરાયો છે ત્યારે જેમને ખરેખર આર્થરાઇટિસને લીધે નાની ઉંંમરે ઘૂંટણનો ઘસારો થયો છે તેમ જ દુખાવો મટાડવાનાં ઇન્જેક્શન લેવા છતાં રાહત મળતી નથી તેવા લોકો પોતાની પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરાવી શકતા નથી. આથી હવે તેઓ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં સસ્તા દરે સર્જરી થતી હોય ત્યાં રઝળપાટ કરી રહ્યા છે.
‘ખાનગી હોસ્પિટલમાં દોઢથી પોણા બે લાખ સુધીનો ખર્ચ’
એક મહિલા દર્દીના પુત્રે જણાવ્યું કે, અમારી પાસે આયુષ્માન કાર્ડ છે, પણ મારી મમ્મીની ઉંમર 55 વર્ષથી ઓછી હોવાથી શહેરની બેથી ત્રણ પ્રાઇવેટ હોસ્પિટલે સર્જરી કરવાની ના પાડી છે.
જો સર્જરી કરાવવી હોય તો દોઢથી પોણા બે લાખ ખર્ચ થશે તેમ જણાવ્યું છે. અમને 55 વર્ષથી નાની ઉંમરના દર્દીની ની-રિપ્લેસમેન્ટ સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલમાં થઈ શકતી નથી તેની જાણ પ્રાઇવેટ હોસ્પિટલમાં થઈ હતી.