Gujarat

જામનગરના રણજીતસાગર રોડ પર ફાયર, પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમે સંયુક્ત તપાસ કરી મંજૂરી વગર ચાલતા 8 સ્ટોર બંધ કરાવ્યા

જામનગર શહેરમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી કે ફાયર સેફ્ટી વગર ધમધમતા ફટાકડાના સ્ટોર પર દરોડો પાડી તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં મંજૂરી વગર જ શરૂ થયેલા 8 સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડી, ફાયર વિભાગની ટીમ, અને પોલીસ દ્વારા કિસાન ચોક થી લાલપુર ચોકડી સુધી માર્ગે સામુહિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન આઠ જેટલા સ્ટોલ ધારકો કે જેઓ દ્વારા મહાનગરપાલિકામાંથી સ્ટોલ ઉભો કરવા માટેની જરૂરી મંજૂરી લેવામાં આવી ન હોવાથી તેવા સ્ટોલ બંધ કરાવાયા હતા.

જેમાં ચાર સ્ટોલ ના ટેબલ, કપડા પતરા, મંડપ સહિતનો સામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ચાર મોટા સ્ટોલધારકો કે જેઓને તાત્કાલિક અસરથી પોતાનો સ્ટોલ બંધ કરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે.

પોલીસના ચેકિંગ દરમિયાન બે સ્ટોલધારકોએ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના ફટાકડા નું વેચાણ શરૂ કર્યું હોવાથી તે બંને વિક્રેતાઓ સામે જાહેરનામાના અંગે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ, ફાયર અને એસ્ટેટ શાખાની આ સંયુક્ત કામગીરીને લઈને ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધરકોમાં ભારે દોડધામ થઈ ગઈ હતી.