અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ યોજાવાની છે, ત્યારે રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન કરવામાં આવતું હોય છે. આજે 10 મે, 2024ના અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યું હતું.
જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મેયર પ્રતિભા જૈન, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત સરસપુર મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવ્યું હતું.
ત્રણેય રથનું વિશિષ્ટ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન
જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે, આજથી રથયાત્રાની વિધિની શરૂઆત થાય છે. આજે અખાત્રીજનો દિવસ એટલે કે, અક્ષય તૃતીયાના દિવસથી ત્રણેય રથની પૂજન કરવામાં આવતું હોય છે. આજે વિશિષ્ટ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવે છે. પુરી ખાતે પણ આજે રથનું પૂજન કરવામાં આવતું હોય છે, તેમ અમદાવાદ ખાતે નીકળનારી રથયાત્રામાં ત્રણેય રથનું પૂજન આજે કરવામાં આવે છે.
આજે ત્રણેય રથનું પૂજન વિશિષ્ટ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓની હાજરીમાં પૂજન વિધિ સંપૂર્ણ કરવામાં આવી હતી. ભગવાનની ચંદન યાત્રા પણ આજે થઈ હતી. હવે 108 કળશમાં જળ ભરીને ભગવાનને લાવવાની જળયાત્રા છે, પણ યોજાશે.

ભગવાનની ચંદનયાત્રા યોજાઈ
અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આજે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે અને ચંદનયાત્રા યોજવામાં આવે છે, તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનની ચંદનયાત્રા અને રથના પૂજનમાં હાજરી આપી હતી.
આજે સવારે 9:30 વાગ્યાથી ભગવાનના ત્રણેય રથના પૂજનની વિધિ શરૂ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે રથનું પૂજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે હર્ષ સંઘવી પૂજનમાં ગેરહાજર
ગત વર્ષે ત્રણેય રથ નવા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્રણેય રથને ફૂલોથી સજાવવામાં આવ્યા હતા. દર વર્ષે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, શહેરના મેયર સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને હોદ્દેદારો પૂજામાં હાજર રહેતા હોય છે.
જો કે, આ વર્ષે હર્ષ સંઘવી ભગવાન જગન્નાથના રથ પૂજનમાં હાજર રહ્યા નહોતા તો મેયર પ્રતિભા જૈન હાજર રહ્યાં હતાં. ત્રણેય રથની પૂજામાં વિવિધ યજમાનો આ વખતે હાજર કરાયા હતા.

માત્ર રથમાં કલર કામ જ કરાશે
રથયાત્રા પહેલા દર વર્ષે અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથનું પૂજન કરવામાં આવતું હોય છે અને ચંદનયાત્રા યોજવામાં આવતી હોય છે. ભગવાનને શીતળતા આપવા માટેની આ ચંદનયાત્રા હોય છે. આજે ભગવાનની ચંદનયાત્રા અને રથ પૂજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
રથ પૂજન અને ચંદનયાત્રા બાદ ભરતના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. જોકે, દર વર્ષે જ ભગવાનના નવા રથ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી આ વર્ષે સમાર કામની કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે નહીં. માત્ર રથમાં કલર કામ કરવામાં આવશે.


