દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો.

શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે. વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરતપણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા (6 કલાકમાં) સુધીમાં 20 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

