એજન્ડા પરના 57 સહિતના કાર્યોને બહાલી અપાઈ
ભરૂચ નગરપાલિકાની સમાન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભામાં રોડ પરના ખાડા, રખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટના મુદ્દે વિપક્ષે સભાનો માહોલ ગજવ્યો હતો. 

ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં મળી હતી. સભાની શરૂઆતમાં જ વિપક્ષ દ્વારા ભરૂચની પ્રજાને કનડતા અને હાલમાં સળગતા એવા ત્રણ મુદ્દા રોડ પરના ખાડા, રખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટના વિવાદના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલોથી વાતાવરણ ગરમાયું હતું.

વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભરૂચ પ્રત્યેનો લગાવ દર્શાવી શાસક પક્ષના સભ્યોને ઘેરતા અંતે ચર્ચા માટેની તૈયારી દર્શાવતા વિપક્ષી સભ્યોએ શહેરના રોડ પર ટુંક જ સમયમાં ખાડા પડવા બાબતે કોન્ટ્રાક્ટરોનો છાવરવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી. તે ઉપરાંત હાલમાં વિવાદિત બની રહેલ ડમ્પિંગ સાઈટના મુદ્દે સાયખા ખાતે ફાળવવામાં આવેલ જમીન પર શા માટે કામગીરી નથી કરાઈ તેમ કહી હવેના આયોજન અંગે પ્રશ્નો કરતા શાસક પક્ષ દ્વારા હાલ આ મુદ્દે જી.પી.સી.બી.ની મંજુરી અંતિમ તબક્કામાં હોવાનું જણાવી મામલો થાળે પાડયો હતો.તો શહેરના રોડ પર રખડતાં ઢોરોના મુદ્દે પાલિકાની કામગીરી માત્ર કોઈ બનાવ બને ત્યારે કરાતી હોવાનો આક્ષેપ કરતા પ્રમુખે વરસાદના કારણે ઢોરોને પકડવાનું બંધ હતું તે હવે પુનઃ ચાલુ કરાશે તેવી ખાતરી આપતાં એજન્ડા પરની મુખ્ય ચર્ચા થઈ શકી હતી.વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભવ્ય ભરૂચને ભાજપના શાસકોએ ભાંગી નાખ્યું હોવાનો આક્ષેપ કરી ભાજપના ભના કારણે પ્રજાજનોને હાડમારી પડી રહી હોવાનું કહીં શાસકો બચાવની સ્થિતિમાં આવી ગયા હોવાનું જણાવ્યું હતું.બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવે રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યો સાથે ભરૂચને સુંદર બનાવવા સૌને સાથે રાખવાનું પણ કહ્યું હતું તો ડમ્પીંગ સાઈટનું હાલ હંગામી ધોરણે કામ ચાલી રહ્યું હોય આગામી દિવસોમાં આ પ્રશ્નનું પણ નિવારણ આવી જશે તેમ કહ્યું હતું. પોણા ત્રણ કલાકની મેરોથોન બની રહેલ ભરૂચ નગર પાલિકાની સમાન્ય સભામાં વિપક્ષના આક્રમણ સામે શાસક પક્ષની કોઈ તૈયારી ન હોવાનું લાગી રહ્યું હતું.
વિરલ ગોહિલ, ભરૂચ

