Gujarat

ગત 10મીએ જામનગરમાં ચાલુ કાર્યક્રમે બ્રેઇન સ્ટ્રોક આવ્યો’તો; ફિઝીયોથેરાપી, સ્પીચ થેરાપી આપવી પડશે

ગુજરાત રાજ્યના કૃષિ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને ગત તારીખ 10મી ફેબ્રુઆરીના જામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેમને પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલ બાદ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ખાનગી સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કે તેમને શરીરના ડાબા ભાગે પેરાલિસીસની અસર હતી, પરંતુ ત્યાર બાદ 19 દિવસ સુધી આઈસીયુમાં રહ્યા બાદ આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે ઘરે તેમને ફિઝિયોથેરાપી અને સ્પીચ થેરાપીની સારવાર ચાલુ રાખવી પડશે.

જામનગરમાં ગોલ્ડન અવર્સની સારવાર આપી રાજકોટ લાવવામાં આવ્યા હતા

રાજકોટની સિનર્જી હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. સંજય ટિલાળાએ જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને જામનગરમાં એક કાર્યક્રમમાં હતા. ત્યારે ગત તા.10 ફેબ્રુઆરીના રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી સૌપ્રથમ તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાત્રે 3 વાગ્યે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગરમાં ગોલ્ડન અવર્સની સારવાર આપી રાજકોટ લાવવામાં આવ્યા હતાં.

29મી ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

તે વખતે રાઘવજી અર્ધ બેભાન અવસ્થામાં હતા અને શરીરની ડાબી બાજુએ પેરાલિસીસની અસર હતી. જેથી તેમણે ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. જેમાં ન્યુરોસર્જન, ન્યુરોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ સહિતની તબીબોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની સારવાર કારગત નીવડી અને તેથી રાઘવજીની તબિયતમાં સુધારો થયો અને આજે એટલે કે 29મી ફેબ્રુઆરીએ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

હલન ચલન કરી શકે છે

રાઘવજીને ફિઝિયોથેરાપી અને સ્પીચ થેરાપી આપવામાં આવશે. મેજર બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવા છતાં તેમણે સારવારને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો અને તેથી તેમની તબિયતમાં ઘણો સુધારો થયો, તેમની યાદશક્તિ પણ યથાવત છે. આ ઉપરાંત તેઓ ભોજન પણ ગ્રહણ કરવા લાગ્યા છે. સાથે જ સપોર્ટ સાથે હલન ચલન પણ કરી શકે છે.