દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે તા. 07/06/24ને રવીવાર અષાઢી સુદ બીજના સાંજે 5.00થી 7.00 કલાક સુધી રથયાત્રા મહોત્સવની પારંપરિક ઊજવણી કરાઈ હતી. સાંજે પરંપરાગત રીતે ઠાકોરજીના બાલસ્વરૂપ ગોપાલજીની પરિક્રમા રથયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની રથયાત્રાની ઊજવણી પુજારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજના રથયાત્રા મહોત્સવ દરમિયાન જગતમંદિર પરિસરમાં ઠાકોરજીના બાળ સ્વરૂપને પૂજારી પરિવારો દ્વારા મંદિર પરિસરમાં પરિક્રમા યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જગતમંદિરના પૂજારી પરિવારના જણાવ્યાનુસાર દર વર્ષે અષાઢી બીજના રોજ પરંપરાનુસાર શ્રીજીના બાળ સ્વરૂપને ગર્ભગૃહમાંથી બહાર લાવી ભક્તો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવે છે.

ગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને સફેદ ચાંદીના અશ્વો અને ચાંદીના રથમાં બિરાજમાન કરી શ્રીજીને મુખ્ય મંદિરને ચાર પરિક્રમા યોજવામાં આવે છે. દરેક પરિક્રમા બાદ શ્રીજીને ભોગ તેમજ આરતી પણ કરવામાં આવે છે.

ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપની ચાર પરિક્રમા યોજાયા બાદ ચોથી પરિક્રમા પૂર્ણ થયે ઠાકોરજીના રથને જગતમંદિરમાં દેવકીજી મંદિર પાસેના સ્તંભ સાથે અથડાવવામાં આવે છે. લોકવાયકા અનુસાર શ્રીજીના રથને આ રીતે સ્તંભ સાથે અથડાવાથી આકાશી વાદળો બંધાય છે અને સચરાચર સારો વરસાદ વરસે છે. જેના કારણે સારો પાક થાય છે અને ખેડૂતો – લોકના ઘર ધન-ધાન્યથી ભરાય છે.

