Gujarat

X પર દર્દીને બેડ ન મળતા તડપી તડપીને મૃત્યુ પામ્યાનો વીડિયો ગુજરાતની કોઈ હોસ્પિટલનો હોવાની પોસ્ટ કરી હતી, વીડિયો છત્તીસગઢનો

સોશિયલ મીડિયા X પર મિસ પાયલ નામના એકાઉન્ટ પરથી હોસ્પિટલમાં અકસ્માત સારવાર માટે લાવેલા દર્દીને બેડ કે જગ્યા ન મળવાના કારણે નીચે સુવડાવી દેવામાં આવ્યો હતો અને તેનું તડપી તડપીને મૃત્યુ થયું હોવા અંગેનો વીડિયો ગુજરાતની કોઈ હોસ્પિટલનો હોવા અંગેની પોસ્ટ કરવામાં આવી હતી.

જે વીડિયો મૂકી અને પોસ્ટ કરવામાં આવી છે તેમાં વીડિયો છત્તીસગઢનો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતનો વીડિયો ન હોવા છતાં પણ ખરાઇ કર્યા વિના પોસ્ટ કરવામાં આવતા સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મિસ પાયલ નામના એકાઉન્ટ હેન્ડલર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

કોઈપણ જાહેર સુલેહ શાંતિનો ભંગ અને અફવા ન ફેલાય તેના માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવતી પોસ્ટ પર સતત નજર રાખવામાં આવતી હોય છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચને સોશિયલ મીડિયા X પર miss payal gupta નામના એકાઉન્ટ ધારક દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

જેમાં હિન્દીમાં લખ્યું હતું કે, એક અકસ્માત બાદ દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને જગ્યા ન મળવાના કારણે નીચે સુવડાવી દેવામાં આવ્યો હતો અને તડપી તડપીને તેનું મૃત્યુ થયું હતું.

આ વીડિયો ગુજરાતની હોસ્પિટલનો હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જ્યારે આ તપાસ કરવામાં આવી તો આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ છત્તીસગઢના બિલાસપુર જિલ્લાની હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું હતું.