Gujarat

ખેતરના શેઢા પર વીજપોલ નાખવા મુદ્દે મારામારી થતા એક ભાઈએ બીજા ભાઈ સામે ફરિયાદ નોંધાવી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામે સીમના શેઢે વીજપોલ નાખવા બાબતે કાકા બાપાના ભાઈઓ વચ્ચે મન દુઃખ સર્જાતા એક યુવાને બીજા યુવાન પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત નિવૃત્ત આર્મીમેને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના ટોપ-૩ સર્કલ નજીક ભક્તિનગર પ્લોટ નંબર 18માં રહેતા અને આર્મીમાં ફરજ બજાવી વયમર્યાદા એ નિવૃત્ત થઈ હાલ તલાટી કમ મંત્રી તરીકે હોઈદડ ગામે ફરજ બજાવતા ઘનશ્યામ લાલુભા ગોહિલ ઉંમર વર્ષ 49 તેઓ ઘોઘા તાલુકાના નવાગામ નાના ગામે ખેતીની જમીન ધરાવે છે.

આ જમીન પાસે તેના કૌટુંબિક કાકાનો દીકરો ધર્મેન્દ્ર હનુભા ગોહિલ પણ જમીન ધરાવતો હોય તાજેતરમાં પીજીવીસીએલ કંપની દ્વારા આ બંને ભાઈઓની જમીન પાસે વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી હોય જેનો ઘનશ્યામના પિતા લાલુભાઈ વિરોધ કરી પીજીવીસીએલમાં અરજી કરી આ કામગીરી અટકાવી હતી.

આ વાતની દાઝ રાખીને ધર્મેન્દ્ર ગઈકાલે પોતાની કાર લઈને ઘનશ્યામના ઘર પાસે આવ્યો હતો અને તેના પિતાએ પીજીવીસીએલમાં કરેલી અરજી મુદ્દે ઝઘડો કરી હુમલો કરી ઢીકા-પાટુંનો મૂંઢમાર મારી હાથની આંગળીએ બચકું ભરી જાય જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.