એમએસપી કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે આંદોલનના 11માં દિવસે વધુ એક ખેડૂતના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા
ખેડૂતોના આંદોલનમાં વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 13 ફેબ્રુઆરીએ ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચના એલાન બાદ અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા છે. મૃતક ખેડૂતની ઓળખ દર્શન સિંહ તરીકે થઈ છે જેની આશરે ઉમર 62 વર્ષ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક ખેડૂત પંજાબના ભટિંડાના અમરગઢ ગામના રહેવાસી હતા. દર્શન સિંહનો પરિવાર 8 એકર જમીન ધરાવે છે અને હાલમાં તેમના પરિવાર પર 8 લાખ રૂપિયાનું દેવું છે. તેણે થોડા દિવસ પહેલા જ પુત્રના લગ્ન કર્યા હતા.
ખેડૂત સંગઠને શોક વ્યક્ત કર્યો હતો
ખેડૂત સંગઠને દર્શન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સંગઠને મૃતક ખેડૂતના પરિવારને વળતરની માંગ કરી છે. સંગઠનના જિલ્લા મહાસચિવ રેશમ સિંહે કહ્યું કે, સરકારે ખેડૂતોને સરહદ પર મરતા અટકાવવા તેમની માંગણીઓ સ્વીકારવી જોઈએ.