મુન્દ્રાથી પ્રાગપર સુધી 9.68 કરોડના ખર્ચે મંજુર થયેલ માર્ગ રિસરફેસિંગની કામગીરી શહેર ના મુખ્ય માર્ગ સુધી અપૂર્ણ રહી જતાં બસ સ્ટેન્ડથી જેરામસર તળાવ નજીક આંબેડકર સર્કલ સુધીનો માર્ગ એકવીસ દિવસ માટે બંધ કરી વાહનો માટે પ્રવેશ નિષેધ જાહેર કરાયો હતો.તે પૂર્ણ થયો હોઈ હવે ખુલ્લો મુકાતા વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હોવાની લાગણી જોવા મળી રહી છે.
વાહનોની ભારે અવર જ્વર ધરાવતા માર્ગ ને ટૂંકી અવધિ માટે બંધ કરવામાં આવતાં નગર અને બારોઇ રોડ તરફ જતા વાહન ચાલકોને લાંબો ફેરો ખાવાની ફરજ પડતી હતી.વધારામાં પ્રવેશ નિષેધ ને અનુલક્ષીને બસ સ્ટેન્ડ નું મુખ્ય દ્વાર પણ આડસો મુકી બંધ કરાતાં અન્ય વાહનોની સાથે બસો પણ વાયા ભૂખી નદીનો ફેરો ખાઈ ગામમાં પ્રવેશતી હતી.
વિશેષમાં વધુ અગવડ બારાતુ રાહદારીઓને પડતી હતી. અને તેમને રોંજીદા કામો માટે ગામમાં આવવા અન્ય વૈકલ્પિક રસ્તાઓનો આશરો લેવો પડતો હતો.પરંતુ ગત રોજ થી રિસરફેસિંગ કામગીરી પૂર્ણ થતાં અવરોધો દૂર કરી રોડ સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવતાં હવે વાહનોની આવજા રાબેતા મુજબ શરુ થઇ છે.
અત્રે નોંધનીય છે કે હજી પણ બસ સ્ટેન્ડ ના પ્રવેશ પરના ખાડાઓ જૈસે થે હાલતમાં મુકી દેવાયા છે.હવે જયારે ગૌરવપથ ભાગ બે ની કામગીરી શરુ થશે ત્યારે તે ભાગને આવરી લેવામાં આવશે ત્યાં સુધી નગરજનો ને દ્વિચક્રી વાહન ધારકોને અગાઉ જેવી યાતના વેઠવી પડે તે સ્થિતી સર્જાઈ હોવાથી લોકો માં આંશિક રોષ ની લાગણી જન્મી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

