દિવાળીના તહેવારની રજાઓ દરમિયાન અમદાવાદનાં કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયની ત્રણ દિવસમાં 2.50 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 43 લાખની આવક થઈ છે.
નોકટર્નલ ઝૂ અને પ્રાણીસંગ્રહાલય જોવા માટે 54,000થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. લોકોએ પ્રાણીસંગ્રહાલય, નોકટોરનલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાય પાર્ક, કિડ્સ સિટી અને અટલ એક્સપ્રેસ ટ્રેનની મજા માણી હતી.

અમદાવાદમાં ફરવા લાયક સ્થળોમાં સૌથી જાણીતા એવા કાંકરીયા લેકફ્રન્ટ ખાતે પડતર દિવસ, બેસતા વર્ષ અને ભાઈબીજની રજામાં ફરવા આવ્યા હતા. જેમાં સૌથી વધુ નવા વર્ષ અને ભાઈબીજના દિવસે કાંકરિયાની લોકોએ મુલાકાત લીધી હતી.

કાંકરિયા લેકફ્રન્ટ જોવા માટે ત્રણેય દિવસ પ્રવાસીઓથી ઉભરાયેલું રહ્યું હતું. સૌથી વધુ લોકો પ્રાણીસંગ્રહાલય જોવા આવ્યા હતા, જેનાથી રૂ. 24 લાખની આવક થઈ હતી. અટલ એક્સપ્રેસ ટ્રેન, બટરફ્લાય પાર્ક અને કિડ્સ સિટીની પણ મુલાકાત લીધી હતી. ત્રણ દિવસમાં નગીનાવાડીની પણ 12000થી વધારે લોકોએ પણ મુલાકાત લીધી હતી.

