શહેરની આગવી ઓળખ ધરાવતા સ્થળોને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે ટીમ વડોદરા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરની મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટરને જમીન દોસ્ત કરીને તે સ્થળે શહેરીજનોને ઉપયોગી ઇમારત બનાવવામાં આવશે. આગામી દિવસોમાં આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતીમાં લાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
ઓળખ પુનઃ લવાશે
શહેરની મધ્યમાં આવેલ સુરસાગરથી લઈને ચાર દરવાજા વિસ્તાર આગવી ઓળખ ધરાવે છે, પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે ચાર દરવાજા વિસ્તારની ઓળખ ભૂંસાવા લાગી હતી. ત્યારે ટીમ વડોદરા દ્વારા વડોદરાની આગવી હેરિટેજ વડોદરા ઓળખ પુનઃ લાવવા માટે ટીમ વડોદરાના પ્રણેતા વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લાએ પ્રયાસો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જગ્યા આપવાની ખાતરી
મળેલી માહિતી પ્રમાણે હેરિટેજ વડોદરાની પુનઃ ઓળખ ઉભી થાય તે માટે તજજ્ઞોની સાથે પરીસંવાદ યોજીને વિધાનસભાના દંડક અને તજજ્ઞોએ હેરીટેજ વોક કરીને સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. જેમાં નડતરરૂપ વર્ષો જૂની જર્જરીત થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવવામાં આવે તેવા સૂચનો પણ થયા હતા. જે બાદ તાજેતરમાં વિધાનસભાના દંડકે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજી હતી અને તમામ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની ખાતરી આપી હતી.
દરખાસ્ત રજૂ કરાશે
એવી પણ માહિતી મળી છે કે, આ બેઠક બાદ ટીમ વડોદરા તરફથી દંડક બાળકૃષ્ણ શુક્લાએ મ્યુનિસિપલ કમિશનરને તમામ માહિતી સાથે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જે આધારે આગામી સ્થાયી સમિતિની બેઠકમાં વધારાના કામમાં પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવીને વૈકલ્પિક જગ્યા આપવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
કોર્પોરેશન મદદરૂપ થશે બેઠકમાં એવી પણ ચર્ચા થઇ છે કે, પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી નાખ્યા પછી નવું આયોજન ન થાય ત્યાં સુધી વેપારીઓને કોઇ મુશ્કેલી પડે અને વ્યાપાર ધંધા વ્યવસ્થિત રીતે ચાલુ રહે તે માટે હંગામી ધોરણે પતરાંના શેડ લગાવીને વ્યાપારીઓને કોર્પોરેશન મદદરૂપ બનશે.
અન્ય ધાર્મિક સ્થાનોનું શું ?
ટીમ વડોદરાની આશા છે કે, અગાઉ ગાંધીનગર ગૃહ પરથી ઉભા રહીને ન્યાય મંદિરની ઘડિયાળમાં સમય જોઈ શકાતી હતી. પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરાયા બાદ ફરીથી ન્યાય મંદિરનું ઘડિયાળ જોઈ શકાશે. નોંધનીય છે કે, પદ્માવતી શોપિંગ સેન્ટરની ઈમારત તોડવાની સાથે સાથે અન્ય ધાર્મિક સ્થાનો પણ નડતરરૂપ બને તેવા છે. ત્યારે વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.

