Gujarat

રાજકોટની પરીકા 5 વર્ષ કેન્સર સામે લડી; 8 ઓપરેશન, 7 કીમો થેરાપી, 3 માઇનોર ઓપરેશન; ડાબો પગ આર્ટિફિશિયલ તોય રેમ્પ કર્યું

રાજકોટ કેન્સર ક્લબ દ્વારા ‘કેન્સર એટલે કેન્સલ નહિ’ સૂત્ર સાથે સમાજમાં કેન્સર પ્રત્યે અવેરનેસ લાવવા માટે ફેશન શો યોજવામાં આવ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ હોટલ સયાજી ખાતે 80 જેટલી કેન્સર વોરિયર મહિલાઓ દ્વારા રેમ્પ વોક કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, એક સાથે 80 મહિલા કેન્સર બહેનોએ રેમ્પ વોક કરી લીમકા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે, પરંતુ રાજકોટની પરીકા ચૌહાણ જ્યારે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે તેને કેન્સર હતું, તે પાંચ વર્ષ સુધી સતત કેન્સર સામે લડી અને તેને માત આપી. મહત્વનું છે કે, તેમના ડાબા પગમાં કેન્સર હોવાથી તેનું હાડકું રીમુવ કરી દેવામાં આવ્યું હતું, એટલે ડાબો પગ આર્ટિફિશ્યલ છે. તેમ છતા આ કાર્યક્રમમાં ભાગ લીધો અને રેમ્પ વોક કર્યું. તેમજ 17 વર્ષની બહેનોથી લઈ 72 વર્ષના વૃદ્ધાઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રેમ્પ વોક કર્યું હતું.

કેન્સર ક્લબ ઓફ રાજકોટના સ્થાપક દ્વારા કેન્સર વોરિયર બહેનોની આત્મીયતા વધારવાનો અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માત્ર ને માત્ર કેન્સર સામે જાગૃતિ અને સેવાકીય ઉદ્દેશને લઈને કેન્સર ક્લબ દ્વારા કેન્સર વોરિયર્સ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘કેન્સર એટલે કેન્સલ નહિ’ સૂત્રને ધ્યાનમાં રાખી બહેનોને સમાજમાં સારી રીતે જીવન જીવવા પ્રેરણા આપી ઉત્સાહ વધારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.