રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં છેલ્લા થોડા સમયથી વાયરલ એનકેફેલાઇટીસ (ચાંદીપુરા) વાયરસના ચેપ,સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોના મરણ થયેલ છે. એટલે કે ચાંદીપુરા વાયરસે ગુજરાત રાજયમાં પ્રવેશ કરી દીધો છે. સદનસીબે પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયો હોય તેવો એકપણ દર્દી નોંધાયેલ નથી. પણ તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના પ્રજાજનોમાં કોઇ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
આ ચાંદીપુરા વાયરસથી 9 માસ થી 14 વર્ષ સુધીના બાળકો સંક્રમિત થતા હોઇ પાટણ જિલ્લામાં અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટરઅને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના ખાનગી અને સરકારી સંસ્થાઓના બાળરોગ નિષ્ણાંતો સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં વાયરલ એનકેફેલાઇટીસ (ચાંદીપુરા) વાયરસના સંક્રમણ, પ્રભાવિત થવા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
કેન્દ્ર તથા રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મળેલ સુચનાઓ મુજબ વાયરલ એનકેફેલાઇટીસ (ચાંદીપુરા) વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા એપીડેમીક મેડીકલ ઓફિસરએ વિસ્તૃત ચર્ચા કરી પાટણ જિલ્લાની ખાનગી,સરકારી હોસ્પિટલમાં કોઇ કેસ જણાય તો તાત્કાલીક જિલ્લા કક્ષાએ જાણ કરવા અપીલ કરી છે. વધુમાં અગમચેતીના ભાગરૂપે પણ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબોને પણ આ રોગની ગાઇડલાઇન અને રિપોર્ટિંગ બાબતે જાણ કરી જરૂરી અમલવારી કરવા સુચના આપેલ છે.
શું છે ચાંદીપુરા વાયરસ?
આ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજ (એનકેફેલાઇટીસ) નો શિકાર થાય છે. આ વાયરસના ફેલાવવા માટે સેન્ડફલાય(માખી) જવાબદાર છે. અને આ વાયરસ 9 માસ થી 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
A. બાળકને સખત તાવ આવવો.
B. ઝાડા થવા.
C. ઉલટી થવી.
D. ખેંચ આવવી.
E. અર્ધબેભાન કે બેભાન થવું.
ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા શું કરવું?
1. બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં(ધૂળમાં) રમવા દેવા નહી.
2. બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
3. સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.
4. મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
જો ઉપર જણાવેલ લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલીક લઇ જઇ સારવાર કરાવવી.

