Gujarat

ડાક વિભાગની પહેલ : પેન્શનધારકો હવે ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવી શકશે

ફેસ અને ફિંગરપ્રિન્ટ ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધશે.: પોસ્ટ માસ્ટર જનરલશ્રી કૃષ્ણકુમાર યાદવ

૩૦ નવેમ્બર સુધી ચાલનારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાન અંગે રાજકોટ હેડ પોસ્ટઓફિસમાં શિબિર યોજાઈ :

રાજકોટ હેડ પોસ્ટઓફિસમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પરીક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલશ્રી કૃષ્ણકુમાર યાદવના અધ્યક્ષસ્થાને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર યોજાઈ હતી. જેમાં શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે હવે પેન્શનધારકોને હયાતીનુ પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર ૭૦ રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી, પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ ૩.૦ મોટા પાયે ૩૦મી નવેમ્બર સુધી ચાલશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે ૨૦૨૦માં કેન્દ્ર, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે. જેથી, પેન્શનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે.

પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા પોસ્ટ ઓફીસ બચત ખાતા નંબર અને પી.પી.ઓ. નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેન્શનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ માટે દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.

 

આ અવસરે રાજકોટ મંડળના પ્રવર અધિક્ષક ડાકઘરશ્રી એસ. કે. બુનકર, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના વરિષ્ઠ મેનેજરશ્રી સંદીપ મૌર્ય અને સિનિયર પોસ્ટમાસ્ટર, રાજકોટશ્રી અભિજીત સિંહ ઉપસ્થિત રહ્યા હતાં.