પોરબંદરમાં ઝવેરીબંગલા સામે રહેતા માતા-પુત્ર નવરાત્રિના ગરબા જાેવા ગયા ત્યારે પાછળથી તેના ઘરમાં ઘુસેલા તસ્કરોએ ૧૮ તોલા સોના સહિત ચાંદીના દાગીના મળી અંદાજે પોણા દસ લાખનો મુદામાલ ચોર્યો હતો. આ બનાવમાં કમલાબાગ પોલીસે ૨૪ કલાકની અંદર જ ભેદ ઉકેલીને બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પણ સંડોવણી ખુલી હોવાનું સામે આવ્યું છે.
પોરબંદરની ખાસ જેલ નજીક ઝવેરી બંગલા સામે આવેલા ક્રિષ્નાપાર્કમાં રહેતા અને ઇન્દ્રપ્રસ્થ હોટેલ નીચેના શોપીંગ સેન્ટરમાં આરતી ઇમ્પેકટ નામની દુકાનમાં મસાલા એકસપોર્ટનો વ્યવસાય કરતા ઉત્સવ કિરણભાઇ લોઢારી નામના ૨૫ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતીકે તેના માતા ઉષાબેન પોણા નવ વાગ્યે ગરબીમાં જવા માટે નીકળ્યા હતા અને ઉત્સવને પણ મિત્રો સાથે નવરાત્રિમાં ગરબા જાેવા જવાનું હોવાથી પોણા દસ વાગ્યે મુખ્ય દરવાજાનો ફીકસ લોક ચાવીથી બંધ કરીને વાડીપ્લોટમાં રહેતા મિત્ર મિત અતુલભાઇ મદલાણીના ઘરે ગયો હતો અને તેની કારમાં પોરબંદરના જુદા જુદા રાસોત્સવમાં ગરબી જાેતો હતો. ઘરના પાછળના ભાગેથી પ્રવેશેલા તસ્કરો ૧૮ તોલા અને ૮ ગ્રામ સોનાના દાગીના કે જેની કિંમત નવ લાખ ચાલીસ હજાર થાય છે તથા રોકડ અને ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા ૯ લાખ ૫૭ હજાર ૫૦૦ના દાગીના અને રોકડની ચોરી કરીગયા હતા.
જેથી અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કમલાબાગ પોલીસમથકની હદમાં થયેલ ચોરીના ભેદને ઉકેલવા પી.આઇ. કાનમીયાની દેખરેખ હેઠળ પાંચ ટીમો તૈયાર કરવામાં આવી હતી અને સર્વેલન્સ સ્ટાફની ટીમે સી.સી.ટી.વી. કેમેરા નેત્રમના સી.સી.ટી.વી. કેમેરા વગેરે ઉપરાંત હ્યુમન સોર્સીસથી ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. અંતે ગુન્હો નોંધાયાના ચોવીસ કલાકમાં જ ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. બાતમી મળી હતી કે કર્લીપુલની પાસે ઉભેલો એક ઇસમ ચોરીમાં સંડોવાયો છે.
તેથી પોલીસે તાત્કાલિક ત્યાં પહોચીને એ શંકાસ્પદ ઇસમની પૂછપરછ કરતા તેણે ઘરફોડ ચોરીની કબુલાત આપી હતી. પોતે કર્લીના પુલ પાસે ખાડી કાંઠે ઝુપડામાં રહેતો અરૂણ કિશોર વાઘેલા (ઉ.વ. ૨૧) હોવાનુ જણાવ્યુ હતુ તથા પોતે એક કિશોરની સાથે મળીને આ ચોરીને અન્જામ આપ્યો હતો તથા ચોરી કર્યા બાદ આ દાગીના લેખરાજ બાબુ પરમારને આપ્યા હતા. તેવી કબુલાત કરતા પોલીસે તપાસ હાથ ધરીને લેખરાજને પકડી પાડયો હતો અને પોલીસે આગી ઢબે પૂછપરછ કરતા બંનેએ જે જગ્યાએ ચોરીનો મુદામાલ છુપાવ્યો હતો. ત્યાંથી તમામ મુદામાલ અને રોકડ પણ કબ્જે કર્યા હતા. ચોરી થઇ હતી તે તમામ મુદામાલ ૧૦૦% રીકવર કરવામાં આવ્યો હતો.