મતદાનનો સંદેશો પહોંચાડવા સંકલ્પ પત્રોનું વિતરણ
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં ટર્નઆઉટ ઇમ્પલીમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં મતદારોની સહભાગીદારીતા વધારવા તેમજ ‘No Voters to be left behind’નો હેતુ સિદ્ધ કરવા માટે જિલ્લામાં વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકો થકી વાલીઓને મતદાન માટે સંકલ્પબદ્ધ કરવા માટે ‘હું વોટ કરીશ’ના સંકલ્પ પત્રો ભરાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ-વાલીઓને અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લેવામાં આવી રહ્યા છે.

શાળાના વિદ્યાર્થીઓ મારફતે પરિવારના તમામ સભ્યો સુધી ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા અને મહિલા મતદાન અચૂક કરે તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવે છે. જેથી બાળકનો પરિવાર અને ખાસ કરીને ઘરની મહિલા મતદાન માટે સંકલ્પબદ્ધ બને અને વધુમાં વધુ મહિલાઓ મતદાનમાં ભાગીદારી નોંધાવે તેમજ વિદ્યાર્થીઓને શાળામાં “હું અવશ્ય મતદાન કરીશ” એવા સૂત્ર સાથેના સંકલ્પ પત્રો આપી, તેમાં વાલીની સહી લઈ, લેવડાવીને પરત મેળવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદેશ ભાવી મતદાર સમા બાળકો અને તેમના વાલીઓને મતદાનની નૈતિક ફરજ માટે જાગૃત કરવાનો છે. જેથી લોકશાહીની પ્રક્રિયાને વધુ સશકત બનાવી શકાય.

સરકારી શાળામાં બાળકોને સ્વરૂચી ભોજન અપાયું
ખંભાળિયા તાલુકાના કબરવિસોત્રી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં તાજેતરમાં શાળાના બાળકોને સ્વ. પુષ્પાબેન મનુભાઈ સોલંકી પરિવારના સહયોગથી શાળાના શિક્ષિકા છાયાબેન ધર્મેન્દ્રભાઈ સોલંકી દ્વારા શ્રીખંડ, પુરી, સહિતની વિવિધ સ્વાદિષ્ટ ચીજવસ્તુઓ સાથેનું સ્વરુચી ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાળા પરિવાર વતી આચાર્ય આર.બી. ચાવડા દ્વારા આ સેવાકીય ભાવના બદલ સર્વેનો આભાર વ્યક્ત કરાયો હતો.

