Gujarat

ગાંધીનગરના સાંતેજની કંપનીમાં 42 લાખના મુદ્દામાલની લૂંટ મામલે 500 CCTV તપાસી પોલીસે પાંચ લૂંટારૂને ઝડપી લીધા

ગાંધીનગરમાં આવેલા સાંતેજના રકનપુર ખાતે સુપર સ્ટાર કેબલ ઈન્ડસ્ટ્રિઝ કંપનીમાં બારેક દિવસ અગાઉ રાત્રીના સમયે ત્રાટકેલા લૂંટારૂઓએ સિક્યુરિટી ગાર્ડસને બંધક બનાવી રૂ. 42 લાખ 28 હજારથી વધુના મુદ્દામાલની લૂંટને અંજામ આપ્યો હતો.

જે પ્રકરણમાં સાંતેજ પોલીસે 500 સીસીટીવી ફૂટેજ ચકાસી પાંચ લૂંટારૂને રૂ. 11.56 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

અમદાવાદના નવરંગપુરા જગજીવન પાર્ક ઈશ્વર ભુવન રોડ ખાતે રહેતા મયંક રસીકભાઈ પટેલની રકનપુર ખાતે સુપર સ્ટાર કેબલ ઇન્ડસ્ટ્રિઝ આવેલ છે.

મોડી રાત્રે 12 વાગે ચાર લૂંટારૂઓએ ત્રાટકી બે સિક્યુરીટી ગાર્ડને લાકડીઓ વડે માર મારી દોરડાથી હાથ પગ બાંધીને કંપનીની પાછળ આવેલા લીલા ઘાસમાં રાત્રે સાડા ત્રણ વાગ્યા સુધી બંધક બનાવીને બેસાડી રાખ્યા હતા.

આ દરમિયાન લૂંટારૂઓએ કંપનીના લોખંડનું શટરનું લોક તોડયું હતું અને વાહન સાથે અંદર પ્રવેશ કર્યો હતો. લૂંટારૂઓએ અંદર પડેલા કોપર વાયરની લૂંટ ચલાવી હતી. તેમજ કંપનીની તિજોરીના લોક તોડી અંદર મુકેલ વેલ્ડીંગ કેબલનો તૈયાર માલ તેમજ વેલ્ડીંગ કેબલનો કોપરનો માલ તથા વાયરો લપેટવાના લોખંડના સ્પુલ 25 નંગ તેમજ કંપનીમાં લગાડેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર વગેરે મળીને કુલ. રૂ. 42.28 લાખ વધુના મુદ્દામાલની લૂંટને અંજામ આપ્યો હતો.