દેવભૂમિ જિલ્લામાં 40 મતદારો ધરાવતા અજાડ ટાપુ પર મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.જયાં મતદારો માટે ખાસ ટેન્ટ(તંબુ)માં મતદાન મથક તૈયાર કરવામાં આવશે.બોટમાં 7 પોલીંગ સ્ટાફ અને 3 પોલીસ જવાનો સહિતની ટીમ ફરજ પર રવાના થઇ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 68-અજાડ ટાપુ મતદાન મથક 81-ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુ દરિયા કિનારાથી લગભગ 10 કિ.મી. દૂર છે.

આ વિસ્તારના માત્ર 40 મતદારો માટે તંબુ (Tent) માં મતદાન મથક તૈયાર કરાયું છે. ચૂંટણી તંત્ર દ્વારા આ ટાપુ પર એક મતદાન મથક સ્થાપિત કરાયું છે. જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. અત્રે પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, મતદાન મથક ખાતે મતદાન સ્ટાફને મોટા આસોટાથી 13 કિ.મી. જેટલા રસ્તા મારફતે ગડુ વિસ્તાર પહોંચી ત્યાંથી બોટ મારફત અંદાજિત 4.3 નોટીકલ માઇલ દરિયાઇ મુસાફરી કરી મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવે છે.
ટાપુ ખાતે ટેન્ટ લગાવી તેનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અજાડ ટાપુ મતદાન અંગેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે જેમાં મતદારો માટે તંબુ (Tent) માં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે 7 પોલિગ સ્ટાફ અને 3 પોલીસ જવાનના બંદોબસ્ત સાથે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચા પાણી જમવા અને મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

