દહેજ બાયપાસની 50 સોસાયટીના રહીશોએ ભરૂચના ધારાસભ્યને રજૂઆત કરી
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે 420 કરોડના ખર્ચે એલીવેટેડ કોરીડોર બનાવવામાં આવી રહયો છે પણ તેના કારણે બાયપાસ રોડ પર આવેલી 50થી વધારે સોસાયટીના હજારો રહીશો હાલાકી ભોગવી રહયાં છે. સવારે 5 વાગ્યાથી 300થી વધારે લકઝરી બસોની અવરજવર થતી હોવાથી તેમના હોર્નથી રહીશોની નિંદ્રામાં ખલેલ પહોંચી રહયા છે. સવારે બંને લેનમાં 5 કીમીથી વધુનો ટ્રાફિક રહેતો હોવાથી સ્કૂલ વાહનો પણ સોસાયટીઓમાં આવી શકતાં નથી. દરરોજ બાળકોને ભારે ભરખમ બેગ લઇને પગપાળા શાળામાં જવાની ફરજ પડી રહી છે.
ચોમાસામાં રસ્તા પર ખાડાઓ પડી જતાં કવોરી ડસ્ટ નાખવામાં આવ્યું હતું. પણ હવે વરસાદે વિરામ લેતાં ખાડાઓ પરથી વાહનો પસાર થાય છે ત્યારે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તેના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ગાંધી જયંતીના દિવસે મીરામ્બિકા સોસાયટીમાં ખાસ ગ્રામસભા રાખવામાં આવી હતી જેમાં સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. સ્થાનિકોની રજૂઆતોના પગલે વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો..
ભરૂચમાં શેરપુરાથી મઢુલી સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. નંદેલાવ ફલાયઓવરના સર્વિસ રોડ પર પેવર બ્લોક બેસાડીને નાના વાહનોની અવરજવર થઇ શકે તેવી વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી. રોડની બંને સાઇડ પેવર બ્લોક ઉખડી ગયેલાં છે અને હંગામી રસ્તાની કોઇ વ્યવસ્થા જ નથી. સવારે અને સાંજે પીક અવર્સમાં રોંગ સાઇડ આવતાં વાહનો ટ્રાફિક જામ કરી રહયાં છે.
સ્થાનિકોની માંગણીઓ :
• ભારે વાહનોને ડાયવર્ઝન આપવું
• વાહનોના હોર્ન વગાડવા પર પાબંધી
• બસોના સ્ટોપની જગ્યા બદલવી
• રોંગ સાઇડ આવતાં વાહનો રોકવા
• નંદેલાવ બ્રિજ પાસે રસ્તો બનાવવો
લોકપ્રશ્ને ધારાસભ્યનું ઉમદા વલણ
ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ દહેજ બાયપાસના રહીશોને વિશ્વાસમાં લઈ પોલીસ પ્રશાસન અને કલેક્ટર સાથે મીટીંગ ગોઠવી અને આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા સરાહનીય કામગીરી કરી. જન પ્રતિનિધિ એવા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈએ બે દિવસ સોસાયટીના રહીશો સાથે મિટિંગ કરી અને તાત્કાલિક આ સમસ્યાનુ નિરાકરણ થાય તે માટે હંમેશા ખડે પગ સોસાયટીના રહીશો સાથે ઉભા રહેવા વચન આપ્યું હતું. જીલ્લાના અન્ય જનપ્રતિનિધિઓ તેમનો દાખલો લે તેવી ચર્ચા લોકોમાં થઇ રહી હતી.
વિરલ ગોહિલ, ભરૂચ