સરકાર થકી લોકોના સ્વાસ્થ્યને જાળવી રાખવા અને લોકોને સ્વાસ્થ્ય સબંધી જરૂરી માહિતી અંગે અનેકો કાર્યકમો અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતા હોય છે. ત્યારે આજે દાંતા તાલુકામાં ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને જિલ્લા એપેડેમિક અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કિરણ ગમારના માર્ગદર્શન હેઠળ 16 મે -વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે રોગોના અસરકારક નિયંત્રણ માટે જન જાગૃતિ કેળવાય અને લોકસમુદાયની સક્રિય ભાગીદારી મળે તે હેતુથી દાંતા તાલુકાના હડાદ ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ નિમિત્તે હડાદ ગામમાં રેલી નીકાળી તથા ગ્રામજનોને ડેન્ગ્યુ રોગની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. તો સાથે સાથે રોગ થવાના કારણો, રોગ થવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રોગ થવા પાછળના મુખ્ય કારક એડીસ ઇજીપ્તિ મચ્છરના પોરા તથા પોરા ખાનાર ગપ્પી-ગમ્બુશિયા માછલી અને મચ્છરદાનીનું નિદર્શન કરી ગામ લોકોને જાણકારી આપવામાં આવી હતી. ડેન્ગ્યુની પત્રિકાનું વિતરણ કર્યું અને સાથે સાથે મેડિકલ કેમ્પ કરી જરૂરિયાતવાળા લાભાર્થીઓને સારવાર આપી હતી.


