અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. વડીયા, લીલીયા અને ખાંભા પંથકમાં અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો. તો જાફરાબાદ અને દામનગરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અન્યત્ર વાદળ છાંયુ વાતાવરણ રહ્યું હતું.
અમરેલી જિલ્લામાં ગઈકાલે વરસાદીની લાંબા વિરામ બાદ પધરામણી થઈ હતી. અહીં ગઈકાલે લાઠી પંથકમાં ચાર ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ત્યારે આજે અમરેલી જિલ્લાના વડીયામાં 13 મીમી, લીલીયામાં 15 મીમી અને ખાંભામાં 12 મીમી સ્વરૂપે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. સાથે સાથે જાફરાબાદમાં 8 મીમી વરસાદ પડ્યો હતો.
બીજી તરફ દામનગરમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં ફેરફાર થયો હતો. અહીં બે વાગ્યાના અરસામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વડીયા, લીલીયા અને ખાંભામાં અડધો ઈંચ વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા હતા.
લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ઉપરાંત અમરેલી, બાબરા, બગસરા, ધારી સહિતના વિસ્તારમાં દિવસભર વાદળ છાંયુ વાતાવરણ રહ્યું હતું. આ દરમિયાન અસહ્ય બફારો જોવા મળ્યો હતો.

