Gujarat

જગતમંદિરમાં કાલે રામ નવમી પર્વની ઉજવણી થશે; બપોરે ઉત્સવ આરતી‎

યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં તા.17ને બુધવારે ચૈત્ર સુદ નોમના ભગવાન શ્રીરામના જન્મદિનના પાવન દિવસે ધાર્મિક પરંપરાગત રીતે વિશેષ ઊજવણી કરવામાં આવશે. જેમાં બુધવારે સવારે ઠાકોરજીની મંગલા આરતી સવારે 6.30 કલાકે થશે. સવારે 8.00 થી 9.00 કલાક સુધી અભિષેક સ્નાન (બંધ પડદે) થશે.

શૃંગાર દર્શન સવારે 9.00 થી 10.30 કલાક સુધી યોજાયા બાદમાં સવારે 10.30 કલાકથી 12.00 વાગ્યા સુધી દર્શન બંધ કરાયા બાદ ધામક ષોડષોચાર વિધિથી મંત્રોચ્ચાર અને અભિષેક પૂજન સાથે કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે ભગવાન શ્રીરામની જેમ ધનુષ્યબાણ તેમજ સિલ્ક પિતાંબર અની કિરીટ મુગુટ ધારણ કરાવી શ્રીરામ સ્વરૂપનો શૃંગાર મનોરથ યોજવામાં આવશે.

બપોરે 12.00 કલાકે ઠાકોરજીને ધનુષ ભાથું ધારણ કરાવી વિશેષ કિરીટ મુકુટ સહિત શ્રીરામ સ્વરૂપના શૃંગાર સાથે ઉત્સવ આરતી યોજાશે. ઉત્સવ આરતી બાદ બપોરે 1.30 સુધી ઠાકોરજીના ઉત્સવ દર્શન ભાવિકોને થશે. બપોરે 1.30 વાગ્યે અનોસર (મંદિર બંધ) થશે. જગતમંદિરમાં ઠાકોરજીના દર્શનનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ યોજાનાર હોવાનું પૂજારીની યાદીમાં જણાવાયું છે.