સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન નર્મદા કેનાલનું પાણી લખતરના ઢાંકીથી છેક કચ્છ સુધી પહોંચી રહ્યું છે. ત્યારે આ કેનાલ ઘણી જગ્યાએ તૂટી જતા નવ વર્ષ બાદ 9 કરોડથી વધુના ખર્ચે રિપેરિંગ કરવામા આવતા સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાંથી પસાર થતી માળીયા શાખા કેનાલનું કામ ચેક કરવા માટે ધ્રાંગધ્રા-હળવદ અને માળીયા ધારાસભ્ય દ્વારા આજે ચેકીંગ કરવામાં આવ્યું હતું. બાદમાં ગાંધીનગર પાણી છોડવા અંગે બેઠક પણ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાંથી પસાર થતી માળીયા નર્મદા કેનાલનું રીપેરીંગ કામ ચેક કરવામા આવ્યું હતું. તેમજ ટીકરથી ઘાટીલા સુધી પાણી પહોંચવામાં તકલીફ હોય કેનાલનું ઈન્સ્પેક્શન કરીને કામગીરી અંગેની જાણકારી મેળવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી નર્મદા કેનાલનું પાણી છેક માળીયા સુધી પહોંચી રહ્યું છે. આ કેનાલ 9 કરોડના ખર્ચે રિપેર કરવામાં આવી છે. કેનાલ બંધ કરીને આ રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. ત્રણ મહિના પાણી વિના રિપેરિંગનું કામકાજ ચાલું રહ્યું હતું. આ કેનાલ રિપેરિંગનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
ત્યારે ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, અન્ય કાર્યકરો ટિકર નર્મદા કેનાલ પર એકઠાં થઇ છેક લખતરના ઢાંકી સુધી આખી કેનાલને ચેક કરી છે. બાદમાં આજે જ ગાંધીનગર જઈ સરકારમાં રજૂઆત કરી છે કે, ઝડપથી પાણી છોડવામાં આવે.