રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલ કાર્યરત થયા બાદ સતત વિવાદમાં આવી રહી છે. ત્યારે આજે હોસ્પિટલનાં પાંચમા માળે આવેલા ઓપરેશન થિયેટરની છતમાંથી પાણી ટપકતા દોડધામ મચી હતી.
અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવી નકકોર હોસ્પિટલની છતમાંથી અચાનક પાણી ટપકવા લાગતા બાંધકામ સામે સવાલો ઉઠ્યા છે. જો કે, આ અંગે સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું કે, કાલે સવાર સુધીમાં સમારકામ પૂર્ણ કરી લેવામાં આવશે. અને બાંધકામમાં ખામી છે કે નહીં તેની જાણકારી મેળવવા બપોરે 12 વાગ્યા બાદ PIU સાથે બેઠક યોજાશે.
થિયેટરનાં POPની છતમાંથી પાણી ટપક્યું
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં 120 કરોડના ખર્ચે સરકારે અદ્યતન જનાના હોસ્પિટલ બનાવી છે. જો કે, અહીં પાંચમાં માળે આવેલ ઓપરેશન થિયેટરનાં POPની છતમાંથી પાણી ટપકવા લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ સ્ટાફ પાણી ઉલેચવામાં લગાવી દઈ રીપેરિંગ કામ હાથ ધરાયું હતું. સમગ્ર કામગીરીનો વીડિયો સામે આવ્યો છે.
જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પાણી ટપકતું અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. નવેનવા બાંધકામમાં પાણી પડવા લાગતા આ હોસ્પિટલનાં બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ઉઠી રહી છે.
બે મહિનાથી કોઈને કોઈ રીતે જનાના હોસ્પિટલ વિવાદમાં
વડાપ્રધાન મોદીએ ગત 25 ફેબ્રુઆરીએ 700 બેડની આધુનિક જનાના હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણને હજુ બે મહિના થયા નથી ત્યાં અવારનવાર કોઈને કોઈ રીતે જનાના હોસ્પિટલ વિવાદમાં આવી રહી છે. અગાઉ એક્સ-રે મશીન નથી. તેવા અહેવાલો સામે આવ્યા હતા.
ત્યારે હવે જનાના હોસ્પિટલના પાંચમા માળે ઓપરેશન થિયેટરમાં પાણી ટપકતું હોવાનું જાણવા મળ્યું છે. મોટી માત્રામાં પાણી ટપકતા ઓપરેશન થિયેટર પાણી પાણી થઈ ગયું હતું. જેથી સ્ટાફમાં ભાગદોડ મચી ગઇ હતી. પાણી સાફ કરવાનું શરૂ થવા છતાં ટપકવાનું ચાલુ હોવાથી સમસ્યાના મૂળ સુધી પહોંચવું જરૂરી હતું.
કાલ સવાર સુધીમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે
જો કે, પાણી ટપકવાનું બંધ ન થતા ઓપરેશન થિયેટરની કામગીરી અન્ય ઓપરેશન થિયેટરમાં કરવાની ફરજ પડી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું કે, ત્રણેક દિવસ પૂર્વે લીકેજ થયા બાદ ત્વરિત સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે આજે ફરીથી લીકેજ થતા જ ફરીથી તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. અને આવતીકાલની સવાર સુધીમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. તેમજ પાણી ટપકવા માટે બાંધકામની ખામી જવાબદાર છે કે, અન્ય કોઈ કારણ છે તે અંગે જવાબદાર અધિકારી તપાસ કરી રહ્યા છે. આવતીકાલે તેની સાથે બેઠક યોજી સમગ્ર બાંધકામ અંગેની માહિતી મેળવવામાં આવનાર છે.

