હાલાર સહિત રાજયભરમાં સુર્યનારાયણના આગવા મિજાજના કારણે આકરી ગરમી સાથે તાપનો પ્રકોપ જોવા મળી રહયો છે ત્યારે દેવભૂમિ પંથકના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓની ખાસ્સી ભીડ રહેતી હોવાથી તિવ્ર તાપથી યાત્રીગણને રક્ષણ આપવા માટે દ્વારકાધીશજી જગતમંદિર પરિસરમાં વિશાળ ડોમ(સમીયાણા)બા઼ધવામા આવ્યા છે.
યાત્રાધામ દ્વારકામાં હાલ વેકેશનના સમયગાળામાં યાત્રીકોની સવિશેષ ભીડ રહેતી હોય,દુર દુરથી આવતા યાત્રીકોને અંગ દઝાડતી ગરમીમાં ધોમધખતા તાપથી રક્ષણ આપવા જગતમંદિરના પરિસરમાં દેવસ્થાન સમિતિ દ્વારા વિશાળ ડોમ મોક્ષ દ્વાર તરફ બાંધવામાં આવ્યા છે.
તદુપરાંત નિજમંદિરમાં પ્રવેશ બાદ ફલોરીંગ પર લાલ જાજમ તથા નેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જગતમંદિરમાં જે રીતે મોક્ષ દ્વાર તરફ સુવિધા કરવામાં આવી છે તેવી જ રીતે સ્વર્ગ દ્વાર તરફ પણ યાત્રીકોનો ઘસારો રહેતો હોય ગરમીથી બચવા અને યાત્રીકોની સુખાકારી માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે અપેક્ષિત છે.

