Gujarat

સાવરકુંડલા શહેરમાં હોળી અને ધૂળેટીનું પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવાયું… હોલી હૈ ભાઈ હોલી હૈ. રંગોવાલી હોલી હૈ..

આ પર્વ નિમિત્તે સાવરકુંડલાના શહેરીજનો અંદાજિત પાંચેક હજાર કિલો જેટલું ઊંધિયું અને શિખંડ આરોગી ગયા.
સાવરકુંડલા શહેરમાં લોકોએ હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરતાં જોવા મળ્યા. આ પર્વ નિમિત્તે સાવરકુંડલામાં રાત્રિના સમયે ઠેર ઠેર હોળી પ્રગટાવીને હોલિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવદંપતીઓ આ પ્રગટાવવામાં આવેલ હોળીને ફરતે પ્રદક્ષિણા કરી મમરા ખજૂર દાળિયા અને શ્રીફળ આ હોળીમાં અર્પણ કરતાં જોવા મળેલ તો નાના નાના ભૂલકાઓને પણ પરિવાર પોતાની સાથે પ્રદક્ષિણા કરાવતાં જોવા મળેલ.
હોળી પછીના દિવસે ધૂળેટી પર્વ નિમિત્તે લોકો એક બીજા પર રંગ છાંટી આ પર્વની ઉજવણી કરતાં જોવા મળેલ. ધૂળેટી પર્વ નિમિત્તે શહેરની ફરસાણવાળાની દુકાને ઊંધિયું, શિખંડ, ખમણ, દુધપાક જેવી ખાદ્ય વસ્તુઓની ધૂમ ખરીદી કરતાં જોવા મળ્યા. આ પાવન પ્રસંગે સાવરકુંડલાના શહેરીજનોએ અંદાજિત પાંચેક હજાર કિલો જેટલું ઊંધિયું આરોગી ગયા હશે. આમ સાવરકુંડલાએ તહેવાર પ્રિય જનતા છે એ પણ તેમણે સાબિત કરી દીધું.ખાસ તો ધૂળેટી પર્વ નિમિત્તે લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ પર્વ મનભરીને માણતાં જોવા મળ્યા. હોળાષટકની સમયાવધિ પૂર્ણ થતાં લોકો પોતાના શુભ પ્રસંગો હવે ઉજવશે.