રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરમાં ઉપક્રમે જિલ્લા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરત આયોજીત જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બારડોલી નગરની કુમાર પ્રાથમિક શાળામાં યોજાયેલ હતી. અત્રે યોજાયેલ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ પૈકી લોકવાર્તા વિભાગમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં ધોરણ-8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી શ્રૃતિ પપ્પુભાઈ ચૌરસીયાએ ઝળહળતાં દેખાવ સાથે પ્રથમ સ્થાન હાંસલ કરી જિલ્લાભરમાં ઓલપાડ તાલુકાનો ડંકો વગાડ્યો છે.
ઓલપાડ નગરની સરકારી પ્રાથમિક શાળાની આ પ્રતિભાવંત વિદ્યાર્થીનીને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર હર્ષદ ચૌહાણે શુભેચ્છાસહ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. તેણીની આ ગૌરવવંતી સિધ્ધિ બદલ શાળાનાં આચાર્ય અમિત પટેલ, માર્ગદર્શક શિક્ષિકા કલ્પના પટેલ તથા સ્ટાફગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ ઉપરાંત અસ્નાબાદ ગ્રામજનોમાં આનંદની લહેર વ્યાપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.