Gujarat

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કેનાલ સુધીના વિસ્તારમાં નર્કાગારની સ્થિતિ

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર કેનાલ સુધીના વિસ્તારમાં છેલ્લા પખવાડિયાથી કચરો ઉપાડવામાં ન આવતા નર્કાગારની સ્થિતિ સર્જાઈ છે. ગંદકીના લીધે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. પાલિકાના સેનેટરી વિભાગ અને ચીફ ઓફિસરને અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, પાલિકા વિસ્તારની ઉપેક્ષા કરતી હોવાના આક્ષેપ લાગ્યા છે.

ત્યારે વિસ્તારમાંથી ત્વરીત ગંદકી દૂર કરવામાં આવે તેમજ સેનેટરી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની જવાબદારી ફિક્સ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નડિયાદના ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર થઈ કેનાલ સુધીના રોડ પર ગંદકીના ૧૦થી વધુ સ્પોટ ઉભા થયા છે. વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાનું વાહન આવતું નથી. જેથી સ્થાનિકો ઘરનો કચરો અને એંઠવાડ ફતેપુરા રોડ પર મચ્છી માર્કેટની પાસે નાખે છે.

મચ્છી માર્કેટની ગંદકી ઉપાડવા માટે સેનેટરી વિભાગનું વાહન મોડી સાંજના સમયે ફાળવવામાં આવે તેવી વર્ષોથી માંગ કરાઈ રહી છે. છતાં સેનેટરી વિભાગના કર્મચારીઓ ગંભીર બેદરકારી દાખવી આ સ્પોટ પરથી કચરો ભરતા ન હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા હતા. હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે. છેલ્લા પંદર દિવસથી વિસ્તારમાંથી ગંદકી ઉઠાવાઈ ન હોવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે સત્વરે ગંદકી દૂર કરી પાવડર અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા પખવાડીયાથી આ વિસ્તારના સેનેટરી વિભાગના જવાબદારોનું ધ્યાન દોર્યું હોવા છતાં સફાઈ કરાઈ નથી. તે બાદ ઈન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સપેક્ટર અને ચીફ ઓફિસરને પણ રજૂઆત કરાઈ હોવા છતાં વિસ્તારમાં સફાઈ કરાઈ નથી. આ ઝોનમાં ત્રણ સેનેટરી ઈન્સપેક્ટર છે, જેમાંથી એકપણ સેનેટરી ઈન્સપેક્ટર સ્થળ પર ફરકતા નથી. અસહ્ય ગંદકી અને પ્રદુષણના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે. જાેકે, તંત્ર દ્વારા વર્ષોથી વિસ્તારમાં દવાનો છંટકાવ કર્યો ન હોવાના આક્ષેપ લગાવ્યા હતા.