જમ્મુ-કાશ્મીર, લેહ લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી હિમવર્ષાને કારણે હવાઈ મુસાફરીને પ્રતિકૂળ અસર પહોંચી રહી છે. ઉત્તર ભારતનાં શહેરોમાં જતી ફ્લાઈટ નિશ્ચિત સમય કરતાં વિલંબ બાદ ટેકઓફ કે લેન્ડ થઈ છે. આજરોજ 27 ફેબ્રુઆરીએ લેહમાં હિમવર્ષાની અસરના પગલે અનેક ફ્લાઈટ મોડી પડશે. જો તમે લેહ લદ્દાખનું સૌંદર્ય નિહાળવા જવાના હો તો એક વખત ફ્લાઈટનો સમય ચોક્કસથી નોંધી લેવો જરૂરી છે.
અમદાવાદથી લેહની સીધી ફ્લાઈટ નથી
મહત્વનું છે કે, ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં હિમ વર્ષાનો માહોલ રહેશે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક લોકો અને ખાસ કરીને નવદંપતી ફરવા માટે બરફાચ્છાદિત પહાડોને પસંદ કરેં છે. ત્યારે તેમના માટે લેહ લદ્દાખ સૌથી પહેલી પસંદગીનું સ્થળ છે. પરંતુ ત્યાં પહોંચવા માટે ફ્લાઈટનો મોટાભાગે ઉપયોગ થતો હોય છે. પરંતુ વાતાવરણની પ્રતિકૂળ અસરોને કારણે વિલંબ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લેહ સુધીની હજુ સુધીમાં સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી નથી. પરંતુ અમદાવાદથી હવાઈ માર્ગે લેહ પહોંચવા માટે અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી લેહની ફ્લાઈટ લેવી ફરજિયાત બને છે.
આજે વહેલી સવારથી જ લેહમાં પ્રતિકૂળ વાતાવરણ
ત્યારે દિલ્હીથી સ્પાઇસજેટ, ઇન્ડિગો એરલાઇન્સ તથા એર ઇન્ડિયાની દરરોજ સીધી ફ્લાઇટ હોય છે. જ્યારે અમદાવાદથી દિલ્હી પહોંચવું ખૂબ જ સરળ છે. કારણ કે અમદાવાદથી દિલ્હી જવા માટે દરરોજ અકાસા એર, ઇન્ડિગો એરલાઇન્સ, વિસ્તારા, એર ઇન્ડિયા, સ્પાઇસજેટની કુલ 18થી 20 ફ્લાઈટ હોય છે. આથી અમદાવાદથી લેહ પહોંચવું ખૂબ જ સરળ છે, પરંતુ આજે વહેલી સવારથી જ લેહમાં પ્રતિકૂળ વાતાવરણની અસરો વર્તાઈ રહી હોવાથી અનેક ફ્લાઇટ મોડી પડી શકે છે.