સાૈરાષ્ટ્ર એટલે મેળાનો મુલક, વર્ષ દરમિયાન આ ધરા પર અનેકાનેક પારંપરિક મેળા યોજાતા રહે છે અને મલકને મેળો માણવાના અવસર મળતા રહે છે. મેળાની શોખીન પ્રજા શુભારંભથી સમાપન સુધી મેળે મહાલી જીવનના તમામ રંગોની મોજ માણવાનું ચૂકતા નથી. જૂનાગઢમાં ભવનાથના મેળાની તોલે ભલે ન આવે પરંતુ રફાળેશ્વરનો મેળો પણ મોરબી પંથકમાં જાણીતો અને માનીતો મેળો છે.મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની આગલી રાતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રોશનીની ચકાચોંધ અને ફજર ફાળકાની જમાવટ સાથે ધીમે ધીમે ધાર્મિક મેળાની રંગત જામશે અને આવતીકાલે આખો દિવસ માનવીયું મેળે મહાલી મહાદેવના દર્શન સાથે પૂણ્યનું ભાથું બાંધશે.
