Gujarat

રાજકોટ કલેકટર કચેરી ખાતે અદ્યતન ઘોડિયા ઘરનો પ્રારંભ કરાયો

રાજકોટ કલેકટર કચેરીનો ગ્રાઉન્ડ ફલોર બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠયો હતો. રાજકોટની કોઇપણ સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલાઓના બાળકોની સંભાળ તેમની માતાઓ સરકારી ફરજ દરમ્યાન લઇ શકે તે માટે રાજકોટ કલેકટર પ્રભવ જોશી દ્વારા સરાહનીય પહેલ કરી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોરમાં ઘોડિયા ઘર (બાલવાટિકા)નું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓના બાળકોની યોગ્ય સાર-સંભાળ થઇ શકે તે માટે રંગબેરંગી ચિત્રોથી બનેલ ઘોડિયા ઘરની સુવિધા કલેકટર કચેરીમાં ઉભી કરાઈ છે. જેમાં બાળકો માટે હિંચકા, લપસીયા, ઘોડિયા, રમકડા, એરકન્ડીશન, ટેલિવિઝન તેમજ ફ્રીઝ અને વોટર પ્યુરીફાયર સહિતના રસોડાની સગવડો ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઘોડિયા ઘરમાં 6 મહિનાથી લઈને 12 વર્ષ સુધીના બાળકો રાખવામાં આવશે.

રાજકોટમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા પાંચ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણુંક

આગામી સ્વચ્છતા સર્વેક્ષણ-2024માં શહેરનું અગ્રીમ સ્થાન આવે તે માટે શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ રાજકોટમાં સ્વચ્છતા અંગેની જનજાગૃતિ લાવવા પાંચ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણુંક કરાઈ હતી. જેમાં પ્રખ્યાત લોકગાયક ઓસમાણ મીર, મોટીવેશનલ સ્પીકર જય છનીયારા, પુરુષાર્થ યુવક મંડળનાં કિશોર રાઠોડ, સદભાવના વૃદ્ધાશ્રમ પ્રમુખ વિજય ડોબરીયા અને ટ્રાન્સજેન્ડર પાયલ રાઠવાનો સમાવેશ થાય છે. આ તમામ બ્રાન્ડેમ્બેસેડરો રાજકોટમાં સ્વચ્છતા અંગે લોકો જાગૃત બને તે માટે વિવિધ પ્રયાસો કરશે. આજે મેયર અને મ્યુ. કમિશ્નર સહિતના આગેવાનોની હાજરીમાં આ તમામને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા.

વાવડીમાં કારખાના સહિત ત્રણ જગ્યાએ ડિમોલીશન, વોર્ડ 12માં મંદિરનું ચાલુ બાંધકામ તોડાતા રોષ

મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોનના જુદા જુદા ત્રણ વોર્ડમાં કોર્પો.ના પ્લોટ પરથી કારખાના સહિતના દબાણ હટાવવામાં આવ્યા હતા. દરમિયાન વોર્ડ નં.12માં એક નવા બંધાતા મંદિરનું બાંધકામ દુર કરતા લોકો એકઠા થઇ ગયા હતા. પરંતુ દબાણ હટાવી ટીપી સ્ટાફે મૂર્તિ જપ્ત કરી હતી. જ્યારે વાવડીમાં ગોંડલ રોડ ચોકડી પાસે ગુરૂકૃપા મારબલ પાછળ સાડા સાત મીટરના રોડ પર કારખાનું ખડકાઇ ગયું હતું. આ દબાણ હટાવી 300 મીટર જગ્યા ખુલ્લી કરાવાઇ હતી. તેમજ વોર્ડ નં.11માં મવડી બાપા સીતારામ ચોક પાસે 750 ચો.મી.ના પ્લોટમાં પણ વાણિજય હેતુનું દબાણ તોડી રૂ. 4.88 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ હતી. વોર્ડ નં.9માં રૈયામાં પાટીદાર ચોક, સોપાન હેબીટેટ સામે આવેલા એસઇડબલ્યુએસના 1783 ચો.મી.ના પ્લોટમાં પણ બંધાઇ ગયેલા છાપરા તોડી પાડવામાં આવ્યા હતા. આ જગ્યાએ રૂ.10.70 કરોડ સહિત બે પ્લોટની રૂ.15.58 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.