પોલીસ તંત્ર પોતાની છબી સુધારવા પ્રયત્નો કરે છે અને નવતર પ્રયોગ કરતું હોય છે. આ જ પ્રયોગ હેઠળ 28 ડિસેમ્બર, 2022ના રોજ શહેર પોલીસ કંટ્રોલ રૂમને સ્માર્ટ રૂમ બનાવ્યો હતો. ઉપરાંત કંટ્રોલ રૂમમાં આવતા ફરિયાદીના કોલ બાદ તેઓના ફીડબેક લેવાતા હતા. જોકે આ પ્રોજેક્ટ માત્ર 6 મહિના ચાલ્યો હતો. કારણ કે સરકારમાં આ પ્રોજેક્ટના ખર્ચાની જોગવાઈ નથી અને પોલીસ વિભાગ પાસે ફંડ ન હોવાથી તે બંધ કરાયો હતો.
પૂર્વ પોલીસ કમિશનર શમશેર સિંહ દ્વારા ડિસેમ્બર-2022માં નવો પ્રયોગ કરાયો હતો. જે હેઠળ પોલીસ કંટ્રોલ રૂમને સ્માર્ટ કરાયો હતો. જેમાં પીસીઆરમાં જીપીએસ ટ્રેકર, દોઢ મિનિટમાં રિસ્પોન્સ જેવી સુવિધાનો ઉમેરો કરાયો હતો. ઉપરાંત ફીડબેક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જે હેઠળ શહેરીજનો કંટ્રોલ રૂમમાં ફોન કરે બાદમાં થર્ડ પાર્ટી કંપની તેનો ફિડબેક લેવાતો હતો, જેમાં ખાસ કરીને તમારી સમસ્યાનું નિવારણ થયું કે નહીં, પોલીસે કેવું વર્તન કર્યું સહિતના અભિપ્રાય લેવાતા હતા.
આ પ્રોજેક્ટ રાજ્યમાં સૌપ્રથમવાર વડોદરામાં શરૂ કરાયો હતો. જે માટે તાલીમ પામેલ મહિલા ટેલીકોલરને રખાયાં હતાં. તેઓ રોજ 100 લોકો પાસેથી ફીડબેક લેતાં હતાં. જેના દ્વારા કંટ્રોલ રૂમની સુધારણા બાબતે પણ આયોજન હતું.
જોકે આ સેવા 6 મહિના જ ચાલી શકી હતી. આ પ્રોજેક્ટ શહેર પોલીસનો પોતાનો હોવાથી તેનો ખર્ચ પણ શહેર પોલીસને જ ઉપાડવાનો હતો. સરકારમાં આ પ્રોજેક્ટના ખર્ચની જોગવાઈ નહોતી અને અને શહેર પોલીસ વિભાગ પાસે પૂરતું ફંડ ન હોવાને કારણે આ સેવા બંધ કરવામાં આવી હતી.
નાગરિકોના કેવા કેવા ફીડબેક આવતા હતા?
- પીસીઆર વેનનો ક્વિક રિસપોન્સ હોવો જોઈએ, જે પોલીસ જવાન પીસીઆરમાં આવી રહ્યા છે તેમનો નંબર ફરિયાદીને આપવો જોઈએ.
- રાત્રી દરમિયાન રિસ્પોન્સ ટાઈમ ઓછો કરવો જોઈએ.
- લોકેશન પ્રમાણે ફરિયાદીને પોલીસ સ્ટેશનની જાણ કરવી જોઈએ.
- નો પાર્કિંગ માટે પોલીસે એક મોબાઈલ નંબર જાહેર કરવો જોઈએ, જેથી નાગરિક તેના પર વાહનના ફોટા મોકલી શકે અને પોલીસ કાર્યવાહી કરી શકે.
મહિલાને 6 માસનો પગાર લોક ભંડોળથી આપ્યો હતો
જે મહિલા આવતી હતી તેમનો પગાર રૂા.10 હજાર હતો. સરકારમાં આ પ્રોજેક્ટની જોગવાઈ ન હોવાથી ખર્ચ બતાવી શકતા નહોતા. મહિલાએ 6 મહિનાએ નોકરી કરી,જેનો પગાર પણ અમે લોક ભાગીદારીથી ચૂકવ્યો હતો.

