Gujarat

જામનગરમાં તોફાની પવન , લાલપુરમાં હળવો વરસાદ

જામનગર-દેવભૂમિ સહિત રાજયમાં કમૌસમી વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે સવારથી અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેરમાં તોફાની પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.બહુમાળી ઇમારતનો સાઇન બોર્ડ પર ધ્રુજી ઉઠયા હતા.જયારે લાલપુરમાં બપોરે શરૂ થયેલા હળવા ભારે વરસાદી ઝાપટાઓએ માર્ગો પર પાણી વહાવ્યા હતા. ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદના વાવડ મળ્યા છે.

જામનગરની ભાગોળે મોરકંડા પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટા પડયા હતા.જયારે દરેડ પંથકમાં પણ વેગીલા વાયરા સાથે ઝાપટા વરસ્યા હતા. જામનગર શહેરમાં સોમવારે રાત્રે અમુક સ્થળોએ હળવા ઝાપટા પડયા હતા.જે બાદ જામજોધપુર, કાલાવડ પંથકમાં પણ હળવા ભારે કમોસમી ઝાપટા વરસ્યા હતા.જામજો પુર-ભાણવડ ગ્રામ્ય પંથકમાં બુધવારે મોડી સાંજે ફરી ઝાપટા વરસ્યા હતા.

જે બાદ ગુરૂવાર સતત ત્રીજીવાર હાલાર પંથકમાં કમૌસમી વરસાદી ઝાપટા યથાવત રહ્યા હતા.જેમાં મોરકંડામાં બપોરે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો જે જોરદાર ઝાપટાઓએ માર્ગો પર પાણી વહેતા કરી દિધા હતા.જયારે દરેડ પંથકમાં વેગીલા વાયરા વચ્ચે હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.

લાલપુરમાં ગુરૂવારે બપોરે ઉકળાટ અને બફારા બાદ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને ચાર મીમી પાણી વરસાવી દિધુ હતુ. ખંભાળિયાના ખોખરી, લાલપરડા, ફોટ સહિત આસપાસના પંથકમાં તિવ્ર પવન સાથે કમોસમી વરસાદ વરસ્યાના વાવડ મળ્યા છે. ધ્રોલ-લતિપુર પંથકમાં ગાજવિજ સાથે ઝાપટા વરસ્યા ધ્રોલમાં ભારે પવન અને ગાજ વીજ સાથે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. વરસાદનાં કારણે રોડ ભીના થયા હતા.જયારે માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી હતી. લતિપુર પંથકમાં પણ ઝાપટું પડ્યું હતું. ખેડૂતોના તલ જેવા ખેતરમાં ઉભા પાક માટે નુકસાન થવાની ભીતીએ ખેડૂતોની ચિંતા વધારી છે.