યાત્રાધામ દ્વારકાની ગોમતી નદી પર નિર્મિત ઝુલતો પુલ સુદામા સેતુ છેલ્લા દાયકામાં દ્વારકાધીશ જગતમંદિર બાદ દ્વારકાની આગવી ઓળખ બની ગયો છે. યાત્રાધામે આવતા દરેક દર્શનાર્થી તથા સહેલાણીઓના આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર એવા ઝુલતા પુલ સુદામા સેતુની અચૂક મુલાકાત લેતા હોય છે.
દરરોજ આશરે પાંચ હજારથી વધુ સહેલાણીઓ આ ઝુલતા પુલની મુલાકાત લેતા હતા. જે ગત ઓકટોબર 2022માં મોરબી દુર્ઘટના બાદ રાજયભરમાં અનેક ઝૂલતા પૂલને સુરક્ષા કારણોસર બંધ કરી દેવાયા બાદ દ્વારકાનો આ ઝૂલતો પૂલ સહેલાણીઓ માટે ખોલાયો નથી.
આશરે પોણાં બે વર્ષથી રીપેરીંગની જરૂરીયાતને કારણે બંધ કરાયેલા આ પુલની આજ સુધી મરમ્મત કરાઈ નથી જેના કારણે રોજ લાખો રૂપિયાનું હુંડીયામણ રળી આપતો પુલ બંધ રહેતા આર્થિક નુકસાની પણ થઈ રહી છે.
છેલ્લા દોઢ દાયકામાં દ્વારકામાં પ્રવાસનલક્ષી સુવિધામાં વધારો થયો હોય અનેક પ્રવાસન માટેના આકર્ષણો ઊભા કરાયા હોય, જે પૈકી પ્રમુખ આકર્ષણ એવા સુદામા સેતુ બંધ રહેવાથી દ્વારકાના પ્રવાસન ઉદ્યોગને પણ માર પડી રહયો છે. આ સાથે પંચકુઈ બીચ, પંચનદતીર્થ જતાં પ્રવાસીઓ પણ સહેલાઈથી ન પહોંચી શકતા દરીયાના પાણીમાં કરન્ટ જોવા મળતો હોવા છતાં સ્વજોખમે નદી પસાર કરવા મજબૂર બન્યા છે.